ફિલ્મ જગત
News of Monday, 4th June 2018

હોલિવૂડના સ્ટાર અેક્ટર ટોમ ક્રૂઝે પોતાની આગામી ફિલ્મ મિશન ઇમ્‍પોસિબલ-ફોલઆઉટના સ્‍ટંટ માટે ૨પ,૦૦૦ ફૂટ ઉંચે વિમાનમાંથી પેરાશુટ સાથે ઝંપ લગાવ્યો

હોલિવૂડઃ હોલિવૂડના અભિનેતા ટોમ ક્રૂઝે પોતાની નવી ફિલ્મ માટે ૨પ,૦૦૦ ફૂટ ઉંચે આકાશમાંથી જંપ લગાવ્યો હતો. જેની તસવીરો સોશ્યલ મીડિયામાં વાયરલ થઇ છે.

હોલિવૂડનો સ્ટાર એક્ટર ટોમ ક્રૂઝ ફિલ્મોમાં ખતરનાક સ્ટંટ્સ જાતે કરવા માટે જાણીતો છે. હાલમાં જ તેની આવનારી ફિલ્મ મિશન ઇમ્પોસિબલ ફોલઆઉટના એક સ્ટંટ સીનની તસવીરો વાઇરલ થઈ છે, જેમાં તે આકાશમાં 25 હજાર ફૂટ ઊંચે પ્લેનમાંથી પેરાશૂટ જમ્પ લગાવી રહ્યો છે.

ટોમ ક્રૂઝના હાઈ એલ્ટિટ્યૂડ લૉ ઑપન (HALO) જમ્પની કેટલીક તસવીર અને અડધી મિનિટની ક્લિપ ઇન્ટરનેટ પર ધૂમ મચાવી રહી છે. આ સ્ટંટને યુનાઇટેડ અરબ અમિરાત (યુએઈ)માં શૂટ કરવામાં આવ્યો છે.

ટોમ ક્રૂઝ ફિલ્મ માટેના જોખમી સ્ટંટ જાતે જ કરે છે અને આ વખતે હજારો ફૂટ ઊંચાઈએથી પેરાશૂટ જમ્પ (HALO જમ્પ) મારનારો તે પહેલો એક્ટર હોવાનું મનાય છે.

ટોમ ક્રૂઝે પેરાશૂટ જમ્પ કરતી વખતે ઑક્સિજન માસ્ક પહેર્યું હતું, કારણ કે 25,000 ફૂટ ઊંચાઈએ જમ્પ કરતી વખતે સભાન અવસ્થામાં રહેવા માટે ઑક્સિજન જરૂરી હોય છે. આ સ્ટંટ માટે ટોમ ક્રૂઝ 25,000 ફૂટ ઊંચાઈએ મિલિટરી ટ્રાન્સપોર્ટ પ્લેનમાંથી જમ્પ મારે છે. આ સીન સૂર્યાસ્ત વખતે શૂટ કરવામાં આવ્યો છે.

આ સીનને જે કેમેરામેને શૂટ કર્યો છે, તેણે હેડ-માઉન્ટેડ કેમેરા પહેર્યો હતો અને તે ક્રૂઝની પહેલાં જ કૂદી ગયો હતો. કેમેરામાં હવા અવરોધ ન બને તે માટે તેણે થોડાક ફૂટ ઊંચે જમ્પ લગાવી દીધો હતો. કેમેરામેનનના કૂદ્યા બાદ ક્રૂઝ પણ ફિલ્મના ફૂટેજ મેળવવા માટે કેમેરા સામે પોતે ગોઠવાઈ જાય છે.

અગાઉ ક્રૂઝે પોતાની ફિલ્મો માટે ઘણા સ્ટંટ્સ કર્યાં છે, જેમાં ઘણી વાર તેને ઇજા પણ થઈ છે. મિશન ઇમ્પોસિબલ -ફોલઆઉટના વધુ એક સ્ટંટ સીનમાં એક બિલ્ડિંગની છત પરથી બીજી બિલ્ડિંગ પર કૂદતી વખતે ટોમના પગમાં ગંભીર ઇજા પહોંચી હતી.

(6:14 pm IST)