ફિલ્મ જગત
News of Tuesday, 20th October 2020

નવરાત્રિ માટે ફાલ્ગુનીએ તૈયાર કર્યુ 'મધમીઠું નામ' ગીત જબરદસ્ત લોકપ્રિય

મુંબઇ, તા.૨૦: જાણીતા કવિ અને સાહિત્યકાર ડો. સુધીર દેસાઈની પોપ્યુલર રચનાને ફાલ્ગુની પાઠક અને ટાઇમ્સ મ્યુઝિકે કમ્પોઝ કરી એ ગીતને માત્ર ૭ દિવસમાં સાડાઅગિયાર લાખથી વધુ લોકોએ જોઈને એકેએક ગુજરાતીની છાતી ગર્વથી ફુલાવી દીધી.

આ નવરાત્રિએ જયારે દાંડિયાની પરમિશન નથી ત્યારે મોટા ભાગના દાંડિયા-સિંગર્સે પોતપોતાની રીતે સિંગલ્સ લોન્ચ કર્યાં, પણ એ બધામાં દાંડિયા-કવીન ફાલ્ગુની પાઠકની ખુશી આજે કંઈક જુદી જ છે. નવરાત્રિ માટે ફાલ્ગુનીએ ખાસ તૈયાર કરેલું ગીત 'મધમીઠું નામ...' જબરદસ્ત લોકપ્રિય થયું છે અને એક વીકમાં એક મિલ્યનથી વધારે વખત જોવાયું છે. ફાલ્ગુની પાઠકે જે ગીત ગાયું છે એ રચના ગુજરાતી ભાષાના જાણીતા કવિ અને સાહિત્યકાર ડો. સુધીર દેસાઈએ લખી છે. ૪૫ વર્ષ પહેલાં રચાયેલું આ ગીત એ સમયે 'વ્હાલમનું નામ...' તરીકે પોપ્યુલર થયું હતું અને જાણીતા મ્યુઝિક-કમ્પોઝર રાસબિહારી દેસાઈએ કમ્પોઝ કર્યું હતું.

ટાઇમ્સ મ્યુઝિકની યુટ્યુબ ચેનલ પર આ ગીત ગયા મંગળવારે રિલીઝ કરવામાં આવ્યું અને ગઈ કાલે રાતે એ ગીતે ૧૧,પ૦,૦૦૦થી વધારે વ્યુ મેળવી લીધા. આ જે વ્યાપ છે એ એકેએક ગુજરાતીને ગર્વ આપનારી ઘટના છે. કવિ ડો. સુધીર દેસાઈ અત્યારે દાહોદમાં રહે છે. સુધીરભાઈએ લખેલાં ગીતો મન્ના ડેથી માંડીને ઉષા મંગેશકર, પુરુષોત્તમ ઉપાધ્યાય, ગઝલગાયક રાજેન્દ્ર મહેતા અને નીના મહેતા જેવાં અનેક ખ્યાતનામ ગાયકોએ ગાયાં છે તો ફાલ્ગુની પાઠકે ગાયેલું આ ગીત પણ અનેક જાણીતા ગાયકો ગાઈ ચૂકયા છે. સુધીરભાઈનાં દીકરી ધ્વનિ દેસાઈએ કહ્યું હતું કે 'ગુજરાતમાં તો 'વ્હાલમનું નામ' ગીત ગાઈને લોકોએ એકબીજા પ્રત્યેનો પ્રેમ દર્શાવ્યો હોવાનું અને પછી મેરેજ કર્યાં હોવાનું પણ બન્યું છે.'

આ ગીત મારું ફેવરિટ છે, પહેલી વાર મેં એ સાંભળ્યું ત્યારે જ મને એ ગીત ગાવાની ઇચ્છા થઈ હતી, જે હવે છેક પૂરી થઈ.

(3:27 pm IST)