ફિલ્મ જગત
News of Friday, 20th September 2019

૧૯૯૭માં ટ્રેનની સાંકળ ખેંચવાના પ્રકરણમાં સની દેઓલ-કરિશ્મા કપૂરની મુશ્કેલીમાં વધારો થવાની શક્યતા

નવી દિલ્હી: સની દેઓલ અને કરિશ્મા કપૂર વર્ષો પહેલા કરેલા એક અપરાધના કારણે મુશ્કેલીમાં મૂકાઈ શકે છે. 22 વર્ષ અગાઉ એક ફિલ્મના શૂટિંગના કારણે એક ટ્રેનની ચેન ખેંચવા માટે ગુરુદાસપુરથી ભાજપના સાંસદ સની દેઓલ અને કરિશ્મા કપૂર વિરુદ્ધ જયપુરમાં ગુનો દાખલ થયો છે. આ મામલો વર્ષ 1997નો છે. તે સમયે બંને પોતાની ફિલ્મ બજરંગના શૂટિંગ માટે જયપુરમાં હતાં. 22 વર્ષ જૂના આ મામલામાં હવે રેલવે કોર્ટે આ બંનેની સાથે ટીનુ વર્મા અને સતીષ શાહ ઉપર પણ આરોપ નક્કી કર્યા છે.

મળતી માહિતી મુજબ વર્ષ 1997માં ફિલ્મ બજરંગના શૂટિંગ દરમિયાન અપલિંક એક્સપ્રેસની ચેન પુલિંગ કરવાના કારણે ટ્રેન 25 મિનિટ લેટ રહી હતી. આ મામલે હવે આરોપ નક્કી કરાયા છે. સની દેઓલ આ અંગે જયપુર પણ પહોંચ્યા છે. રેલવે અધિનિયમ અંતર્ગત આ તમામ પર રેલવે એક્ટની કલમ 141 (બિનજરૂરી રીતે એક ટ્રેનમાં સંચાર સાધનો સાથે હસ્તક્ષેપ), કલમ 145 (નશો કરીને ઉપદ્રવ મચાવવો) કલમ 146( રેલવે કર્મચારીના કામમાં વિધ્ન નાખવું), અને કલમ 147 (અનાધિકૃત રીતે પ્રવેશ કરવો)ના ભંગના આરોપ છે.

1997માં સની દેઓલ અને કરિશ્મા કપૂરે પોતાની ફિલ્મના ક્રુ મેમ્બર્સ સાથે અજમેરની પાસે ફુલેરાના એક ગામ સાવરદામાં બજરંગનું શૂટિંગ કર્યું હતું.

(4:20 pm IST)