ફિલ્મ જગત
News of Wednesday, 20th March 2019

ફિલ્મ 'બ્રહ્માસ્ત્ર'માં વિલનની ભૂમિકાને લઈને બોલી મૌની રોય...

મુંબઇ:  એક પછી એક ફિલ્મોમાં ચમકી રહેલી મોખરાની ટીવી સ્ટાર મૌની રોયે કહ્યું હતું કે કરણ જોહરની બ્રહ્માસ્ત્ર ફિલ્મમાં મને વિલનનો રોલ આપ્યો ત્યારે હું ચોંકી ઊઠી હતી.'આમ તો મારા માટે આ ફિલ્મ એક સપનું સાકાર થાય એવી હતી. એમાં મેગાસ્ટાર અમિતાભ બચ્ચન, રણબીર કપૂર અને આલિયા ભટ્ટ ચમકી રહ્યાં છે. આવા મોટા કલાકારો સાથે ફિલ્મમાં કામ કરવા મળે એને હું મારું સદ્ભાગ્ય સમજું છું' એમ મૌનીએ કહ્યું હતું.એણે ઉમેર્યું હતું કે મારા માટે આ ચેલેંજિંગ રોલ હતો કારણ કે હું મુખ્ય વિલનનો રોલ કરું છું. અગાઉ આવો રોલ કદી કર્યો નથી. એટલે મારે સારી એવી તૈયારી પણ કરવાની હતી. ટોચના કલાકારો સાથે કામ કરવાનું હોય ત્યારે તમે ફિક્કા ન પડી જાઓ એ સૌથી મોટી ચેલેંજ હોય છે. જો કે મને વિલનના રોલની ઑફર આવી ત્યારે શરૂમાં મને નવાઇ લાગી હતી. બ્રહ્માસ્ત્રના ડાયરેક્ટર અયાન મુખરજીએ મને નાગિન ટીવી સિરિયલમાં જોઇ હતી. એના આધારે તેમણે એમ નક્કી કર્યું કે મારે નેગેટિવ રોલ કરવો. નવાઇ લાગવા છતાં એક ચેલેંજ તરીકે મેં આ રોલ સ્વીકારી લીધો. હું માનું છું કે ક્યારે કયો રોલ દીપી ઊઠશે એની કલ્પના કરવી મુશ્કેલ હોય છે. એક વ્યવસાયી અભિનેત્રી તરીકે જે રોલની ઑફર્સ મળે એ સ્વીકારીને પોતાની કાબેલિયત કલાકારે પુરવાર કરવી જોઇએ.

(4:30 pm IST)