ફિલ્મ જગત
News of Wednesday, 20th March 2019

'૭૧ના પાકિસ્તાન સાથેના યુદ્ઘની શૌર્યગાથાની ફિલ્મ- ધ-ભુજ પ્રાઇડ ઓફ ઇન્ડિયા અજય દેવગન બનશે ફાઇટર પ્લેનના વિંગ કમાન્ડર ''વીર'' વિજય કર્ણીક

પાકિસ્તાનના બોમ્બમારામાં ભુજ એરબેઝ નાશ પામ્યું અને વીંગ કમાન્ડર વિજય કર્ણીકે બે દિવસમાં માધાપરની વીરાંગના મહિલાઓ સાથે ભુજ એરબેઝ બનાવ્યું તે શૌર્યગાથાનો ઉલ્લેખ

ભુજ, તા.૨૦: બોલીવુડમાં યુદ્ઘ આધારીત ફિલ્મો બનાવવાની શરૂ થયેલી પરંપરામાં હવે '૭૧ના ભારત પાકિસ્તાનના વચ્ચે ખેલાયેલા યુદ્ઘની પૃષ્ઠભૂમિ ઉપર ફિલ્મ બનશે. રાઇટર અભિષેક દુધૈયા લિખિત અને ટી સિરિઝના ભૂષણકુમાર દ્વારા બનાનારી આ ફિલ્મ '૭૧ના વોરમાં ભારતીય વાયુસેનાના સ્કવોડ્રન લીડર વિજય કર્ણીક ની શૌર્યગાથા ઉપર આધારિત હશે. ધ ભુજ- પ્રાઇડ ઓફ ઇન્ડિયાના નામે બનનારી આ ફિલ્મમાં સ્કવોડ્રન લીડર કમાન્ડર વિજય કર્ણીકની મુખ્ય ભૂમિકા અજય દેવગન ભજવશે. પાકિસ્તાને ડિસેમ્બર '૭૧ના ભુજના એરબેઝ ઉપર બોમ્બ મારો કરીને રન વેને ઉડાડી મુકયો હતો. પરિણામે ભારતીય વાયુસેનાના ફાઇટર પ્લેનો માટે ઉયન કરવાનું મુશ્કેલ બન્યું હતું. પણ, દુશ્મન દેશ પાકિસ્તાનને વળતો જવાબ આપીને તેના દાંત ખાટા કરવાના નિશ્યય સાથે સ્કોવડ્રન લીડર વિજય કર્ણીકે વાયુસેનાના બે અધિકારીઓ તેમ જ ૫૦ જવાનો અને માધાપર ગામની ૩૦૦ જેટલી વીરાંગના મહિલાઓ સાથે માત્ર ૪૮ કલાકમાં ભુજ એરબેઝનો રન વે ઉભો કરી દીધો હતો. જે રન વે ઉપર થી ભારતીય વાયુસેના ફાઇટર વિમાનોએ ઉડ્ડયન ભરીને દુશ્મન દેશ પાકિસ્તાનને પરાજય આપીને મારી હટાવ્યું હતું. આ વિજયગાથા ઉપર ફિલ્મ બનશે. '૭૧ના યુદ્ઘના હીરો સ્કોવોડ્રન લીડર વિજય કર્ણીક હયાત છે અને અત્યારે નિવૃત છે. તેમણે પોતાની શૌર્યગાથા ઉપર બનનારી ફિલ્મ ઉપર ખુશી વ્યકત કરી છે. તો આ ફિલ્મ વિશે હીરો અજય દેવગને પોતાના ટ્વીટર એકાઉન્ટ ઉપર સ્કવોડ્રન લીડર વિજય કર્ણીકની તસ્વીર પોસ્ટ કરીને માધાપરની ૩૦૦ વીરાંગના મહિલાઓની શૌર્યગાથાનો ઉલ્લેખ કર્યો છે.(૨૨.૭)

 

 

(11:36 am IST)