ફિલ્મ જગત
News of Tuesday, 19th November 2019

દીપિકા રણવીરની મૂંછો ઉપર કાતર ફેરવી રહી હોય તેવો જુનો વીડિયો સોશ્યલ મીડિયામાં વાયરલ

નવી દિલ્હી :બોલિવુડનું સુપરસ્ટાર કપલ દીપિકા પાદુકોણ અને રણવીર સિંહ સોશિયલ મીડિયા પર સતત ચર્ચામાં રહેતું હોય છે. હાલમાં જ આ કપલે પોતાના લગ્નની પહેલી એનિવર્સરી બહુ જ સાદગીથી પરિવારની વચ્ચે ઉજવી હતી. આ દરમિયાનની કેટલીક તસવીરો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ હતી. ત્યારે હવે એક ચોંકાવનારો વીડિયો સામે આવ્યો છે.

હવે દીપિકા પાદુકોણ અને રણવીર સિંહનો એક વીડિયો સોશિયલ મીડિયા પર જોરદાર વાયરલ થઈ રહ્યો છે. તેના આ વીડિયોને જોઈ દીપિકા રણવીરના ફેન્સ જબરદસ્ત રિએક્શન પણ આપી રહ્યાં છે. કેમ કે, આ વીડિયોમાં દીપિકા પાદુકોણ પતિ રણવીરની મૂંછ ઉડાવી રહી છે.

આ વીડિયોની વાત કરીએ તો, તેમાં દીપિકા પોતાના રણવીરની મૂંછો પર કાતર ફેરવી રહી છે. મૂંછ કાપવા પર રણવીર દુખી નજર આવી રહ્યો છે. તો દીપિકા જીત થઈ હોય તેવું રિએક્શન આપી રહી છે. જોકે, તમને જણાવી દઈએ કે આ વીડિયો હાલનો નથી. વીડિયો જૂનો છે, પણ દીપિકા રણવીરનો આ વીડિયો હાલ ફેન્સ વચ્ચે ફરીથી પોપ્યુલર બન્યો છે.

વર્કફ્રન્ટની વાત કરીએ, તો આ કપલ લગ્ન બાદ પહેલીવાર ફિલ્મ ‘83’માં નજર આવવાનું છે. આ અપકમિંગ ફિલ્મ વર્ષ 1983માં થયેલા વર્લ્ડકપ દરમિયાન ભારતને મળેલી જીત પર આધારિત છે. ફિલ્મનું શુટિંગ પૂરુ થઈ ગયું છે. આ ફિલ્મમાં રણવીર સિંહ પૂર્વ ભારતીય ક્રિકેટર કપિલ દેવની ભૂમિકામાં છે. તો દીપિકા તેમની પત્નીનો રોલ ભજવશે.

(5:33 pm IST)