ફિલ્મ જગત
News of Tuesday, 19th November 2019

હાલમાં ફિલ્મોથી દૂર અભિનેત્રી સુષ્મિતા સેનનો આજે જન્મદિવસ

અઢાર વર્ષની વયે મિસ યુનિવર્સનો ખિતાબ જીતનારી

મુંબઇ તા. ૧૯: માત્ર અઢાર વર્ષની ઉમરે મિસ યુનિવર્સનો ખિતાબ જીતનારી અને બાદમાં બોલીવૂડમાં એન્ટ્રી કરી અનેક હિટ ફિલ્મો આપનાર સુષ્મિતા સેનનો આજે જન્મદિવસ છે. ૧૯ નવેમ્બર ૧૯૭૫માં જન્મેલી સુષ્મિતાએ ૨૧ મે ૧૯૯૪ના રોજ સુષ્મિતાએ મિસ યુનિવર્ષનો તાજ પહેર્યો હતો. આ પહેલા સુષ્મિતાએ મિસ ઇન્ડિયા પ્રતિયોગીતામાં ઐશ્વર્યા રાય બચ્ચનને પણ હરાવી હતી. એ સ્પર્ધામાં તેણે એક સવાલના જવાબ થકી બાજી જીતી હતી.

સુષ્મિતાનો મુકાબલો તે વખતે એશ્વર્યા રાય બચ્ચન સાથે હતો. સવાલ પુછાયો હતો કે જો તમે કોઇ ઐતિહાસિક ઘટનાને બદલી શકો તેમ હોવ તો એ કઇ ઘટના હોઇ શકે? આ સવાલના જવાબમાં એશ્વર્યાએ જવાબ આપ્યો હતો કે હું મારા જન્મનો સમય બદલી નાંખું. તેની સામે સુષ્મિતાનો જવાબ હતો કે હું ઇન્દિરા ગાંધીની મૃત્યુની તારીખ બદલી નાંખુ. આ ઉપરાંત મિસ યુનિવર્સની સ્પર્ધામાં પણ સુષ્મિતાએ સવાલોના જોરદાર જવાબો આપ્યા હતાં. તેણે એક જવાબમાં કહ્યું હતું કે એડવેન્ચર એ છે જે તમે તમારી અંદર અનુભવી શકો. બાળકો સાથે સમય પસાર કરવો એ મારા માટે એડવેન્ચર છે.

સુષ્મિતાએ બોલીવૂડમાં અનેક ફિલ્મો કરી છે. હાલમાં તે લાંબા સમયથી ફિલ્મોથી દૂર છે. તે રોહમન શોલ નામના યુવાન સાથે રિલેશનશીપને કારણે ચર્ચામાં રહે છે. બંનેની અનેક તસ્વીરો અવાર-નવાર વાયરલ થતી રહે છે. તેનો આ બોયફ્રેન્ડ ઉમરમાં તેનાથી ઘણો નાનો છે.

સુષ્મિાતાએ દસ્તક, ઝોર, સિર્ફ તુમ, બીવી નં.૧, ફિઝા, કયું કી, નાયક-ધ રિયલ હીરો, સમય, ચિંગારી, વાસ્તુશાસ્ત્ર, બેવફા, દુલ્હા મિલ ગયા, હેપ્પી એનિવર્સરી સહિતની ફિલ્મો કરી છે અને બેસ્ટ એકટ્રેસ સહિતના એવોર્ડ પણ જીત્યા છે.

(1:03 pm IST)