ફિલ્મ જગત
News of Friday, 19th October 2018

પરિણીતીને જોઈ એટલી સફળતા મળી નથી

મુંબઈ: પરિણીતી ચોપરાને બોલીવૂડમાં આવ્યે છ વર્ષ જેટલો લાંબો સમય થઈ ગયો છે. આમ છતાં તેને આ વર્ષોમાં મળવી જોઈએ એટલી ફિલ્મો નથી મળી. હા, તેની છેલ્લી ફિલ્મ 'ગોલમાલ અગેન' ને જબરી સફળતા મળી. પરંતુ તેનાથી પહેલાં આવેલી ફિલ્મ 'મેરી પ્યારી બિન્દુ' ને ધાર્યો પ્રતિસાદ નહોતો સાંપડયો. હવે આજે તેની નમસ્તે ઇંગ્લેન્ડ ફિલ્મ રજૂ થઇ છે. આ ફિલ્મ કેટલી સફળ થાય છે એ તો આવનારા સમયમાં ખબર પડી જશે.
જો કે પરિણીતીના અભિનયની પ્રશંસા ચોક્કસ થઈ હતી. અભિનેત્રી કહે છે કે આ સિનેમા રજૂ થયા પછી મને બોલીવૂડના જે લોકો મળ્યાં તેમણે બધાએ આ સિનેમા તથા મારા અભિનયના બેમોઢે વખાણ કર્યાં હતા. પરંતુ સિનેમાઘરોમાં પ્રેક્ષકોએ તડાકો નહોતો પાડયો.અભિનેત્રી આનું કારણ જણાવતા કહે છે કે તે વખતે જ 'બાહુબલિ-૨' રજૂ થઈ હતી. અને આ સમય દરમિયાન જ આઈપીએલ પણ ચાલી રહી હતી. તેથી આ ફિલ્મને મર્યાદિત પ્રેક્ષકો મળ્યા. ટૂંકમાં એમ કહી શકાય કે 'મેરી પ્યારી બિન્દુ' રજૂ થવાનો સમય એવા હતો કે પ્રેક્ષકો તેને સમય ન ફાળવી શક્યા. બાકી તેની રજૂઆત પછી જે લોકો મને મળ્યાં તેમણે બધાએ આ ફિલ્મમ વખાણી હતી.તે વધુમાં કહે છે કે રોહિત શેટ્ટીએ મને કહ્યું હતું કે કોઈપણ ફિલ્મની સફળતાનો ખરો ક્યાસ સેટેલાઈટ પર તેને કેટલી પસંદ કરવામાં આવે છે તેના પરથી કાઢી શકાય. જો સેટેલાઈટ પર કોઈ ફિલ્મ વારંવાર પ્રસારિત થાય અને તેને બહોળો દર્શકગણ મળે તો તે ફિલ્મ સફળ થઈ ગણાય.જો કે અભિનેત્રી માને છે કે સમય જતાં આપણા સફળતા- નિષ્ફળતા વિશેના વિચારો કે વ્યાખ્યા ઘણાં અંશે બદલાઈ જાય છે. આનું કારણ સમજાવતાં તે કહે છે કે સમય જતાં આપણી અંગત સમજ વિકસે છે. અને તેનું સીધું પ્રતિબિંબ આપણી વ્યવસાયિક કારકિર્દી પર પણ પડે છે.તે પોતાના અનુભવને ટાંકતા કહે છે કે મેં મારી કારકિર્દીમાં બ્રેક લીધો ત્યારે મને મારા વ્યક્તિગત તેમ જ વ્યવસાયિક જીવન વિશે, મારા સ્વાસ્થ્ય અને નાણાંકીય વ્યવહારો વિશે વિચાર કરવાનો અને તે મુજબ તેનું વ્યવસ્થાપન કરવાનો સમય મળ્યો. હવે હું મારી કારકિર્દીને વ્યવસ્થિત રીતે ગોઠવી શકું છું તે મારા લાભમાં જ છે.

(5:50 pm IST)