ફિલ્મ જગત
News of Friday, 19th October 2018

૬૨ વર્ષે પણ યુવાનોને શરમાવે તેવી ફિટનેસઃ સની દેઓલનો આજે જન્મદિન

મુંબઇ તા. ૧૯: બોલિવૂડમાં એકશન હીરો તરીકે ઈમેજ ધરાવતા અભિનેતા સની દેઓલનો આજે  ૬૨મો જન્મદિવસ છે.  તેનો જન્મ ૧૯ ઓકટોબર ૧૯૫૬માં પંજાબમાં થયો હતો. સની દેઓલનું સાચુ નામ અજયસિંહ દેઓલ છે. ૬૨ વર્ષની ઉંમરે પણ તેઓ યુવાનોને શરમાવે તેવી ફિટનેસ ધરાવે છે. સની દેઓલે પોતાની ફિલ્મી કરિયરની શરૂઆત ૧૯૮૩માં ફિલ્મ બેતાબથી કરી હતી.  ઘરમાં તેને બધા સની કહીને બોલાવે છે, આ કારણે તેણે ફિલ્મોમાં સનીના નામથી આવવાનું નક્કી કર્યુ હતું.

ધર્મેન્દ્રના સૌથી મોટા દીકરા સનીનો એક ભાઈ બોબી દેઓલ અને બે બેન વિજયતા અને અજીતા છે. બન્ને બેન અમેરિકામાં રહે છે.  સનીની બે હાફ સિસ્ટર ઈશા અને આહના દેઓલ છે. ૮૦ના દશકની શરૂઆતમાં બોલીવુડમાં ઘણા સિતારાઓ તેમના સંતાનોને બોલીવુડમાં લોન્ચ કરતાં હતાં.  ધર્મેન્દ્રએ પણ તેમના દીકરા સનીને ફિલ્મ બેતાબ (૧૯૮૩) થકી અભિનયની દુનિયામાં પ્રવેશ અપાવ્યો હતો. એક દિલેર નૌજવાનની ઈમેજ સની માટે લેખક જાવેદ અખ્તરે બનાવી. ફિલ્મ સુપરહિટ રહી અને સનીના પગલા બોલીવુડમાં જામી ગયા. બોલીવૂડમાં એન્ટ્રી પહેલા સનીએ અભિનય શીખવા માટે બર્મિંગહામ મોકલાયેલ.

સનીએ સોહની મહિવાલ, ઘાયલ, ઘાતક, જીત, ઇન્ડિયન, જીદ્દી, અજય, બોર્ડર, દામીની, નિગાહે, ડકૈત, નરસિંહા, વિશ્વાત્મા, વર્દી, યમના પગલા દિવાના, ચાલબાઝ સહિત નેવુથી વધુ ફિલ્મો કરી છે. ગદ્દર ફિલ્મ સનીની આજીવન સુપરહિટ ફિલ્મ ગણાય છે.

(3:36 pm IST)