ફિલ્મ જગત
News of Tuesday, 19th January 2021

ફિલ્મ 'બિયોન્ડ બ્લુ'ને આંતરરાષ્ટ્રીય ફિલ્મ મહોત્સવમાં ગોલ્ડન ગેટનો એવોર્ડ મળ્યો

તુષારપાંડેની મુખ્ય ભૂમિકા, ઝનાને રાજસિંગનું દિગ્દર્શન

રાજકોટઃ અમદાવાદ સ્થિત લેખક અને અગ્રણી ઇન્ટેલેકયુઅલ પ્રોપર્ટી રાઇટસના એટર્ની ડો. રાજેશકુમાર આચાર્ય દ્વારા નિર્માણ પામેલી ફિલ્મ, 'બિયોન્ડ બ્લુ' આંતરરાષ્ટ્રીય સ્તરે ખુબ વખણાઇ છે.

આ રોમાંચક ફિલ્મને 'મૌલીકતા' માટે સાન જોશ, યુએસએમાં યોજાયેલ ગોલ્ડન ગેટ આંતરરાષ્ટ્રીય ફિલ્મ મહોત્સવ ૨૦૨૦માં એવોર્ડ પ્રાપ્ત થયો છે. ફ્રાન્સ ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટીવલ (માર્ચે ડુ ફિલ્મ) પર પ્રીમીયર થયેલ 'બિયોન્ડ બ્લુ' ને બીજા ઘણા એવોર્ડસ પ્રાપ્ત થયા છે. જેમ કે 'ડેપ્થ ઓફ ફિલ્ડ ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટીવલ ૨૦૧૫'માં અસામાન્ય યોગ્યતા માટેનો એવોર્ડ તદઉપરાંત ૩જા ભારતીય સીને ફિલ્મ મહોત્સવ ૨૦૧૫માં તેને શ્રેષ્ઠ સંપાદન માટેનો એવોર્ડ પ્રાપ્ત થયો અને ૮માં ગૌરવવંતા ગુજરાતી એવોર્ડસ ૨૦૧૫માં પણ આ ફિલ્મ વિજેતા બની હતી.

આ ફિલ્મનું નિર્દેશન દુબઇ નિવાસી ઝનાને રાજસિંગે કર્યું છે, જેની ટુંકી ફિલ્મોએ ઘણા આંતરરાષ્ટ્રીય પુરસ્કારો જીત્યા છે. તુષારપાંડે, જેમણે આ ફિલ્મમાં મુખ્ય ભૂમિકા ભજવી છે. તેઓ 'છિછોરે' 'પિંક' અને વેબ સીરીઝમાં 'આશ્રમ'માં તેમની ભૂમિકા માટે જાણીતા છે. અમદાવાદ અને ભારતના અન્ય સ્થળોએ ઘણા બધા પરફોર્મન્સ કરી ચુકેલા સ્ટેજ પરર્ફોમર અને પાર્શ્વવ ગાયિકા ઇશિતા સરકારે મુખ્ય મહિલા પાત્રની ભૂમિકા ભજવી છે. સ્વ. આશિષ કકડ, જાણીતા ફિલ્મ દિગ્દર્શક લેખક, અભિનેતા અને વોઇસ આર્ટીસ્ટ, પોલીસ અધિકારીની શાનદાર છતા મહત્વપૂર્ણ ભૂમિકા નિભાવી છે. આ ફિલ્મમાં જૈમિન મોદીના શ્રેેષ્ઠ અને ઉમદા કેમેરા વર્કને શ્રેષ્ઠ સીનેમેટોગ્રાફી માટે ડેપ્થ ઓફ ફિલ્ડ ફેસ્ટીવલ ૨૦૧૫માં એવોર્ડ મળ્યો છે.

બિનીશ શર્મા સંગીતકાર, ગીતકાર અને ગાયક છે. તેમણે સોનુ નીગમ અને અરીજીત સીંગ જેવા અગ્રણી કલાકારો સાથે કામ કર્યું છે. તથા મર્સીડીઝ જેવી અગ્રણી બ્રાન્ડસ માટે જિંગલ્સ બનાવ્યા છે.

'બિયોન્ડ બ્લુ' હાલમાં એમએકસપ્લેયર પર વિનામુલ્યે લાઇવ સ્ટ્રીમ થઇ રહયું છે.

(2:52 pm IST)