ફિલ્મ જગત
News of Monday, 18th November 2019

પોતાને હોસ્‍પિટલમાં દાખલ કરવામાં આવ્‍યા હોવાના અહેવાલોને ડિમ્‍પલ કાપડિયાનો રદિયો

હું જીવતી છું અને સ્‍વસ્‍થ છું

મુંબઈ, તા.૧૮: બોલીવૂડ અભિનેત્રી ડિમ્‍પલ કાપડિયાએ એવી અફવાઓનું ખંડન કર્યું છે કે એમની તબિયત ખરાબ થઈ ગઈ છે અને એમને મુંબઈની હોસ્‍પિટલમાં દાખલ કરવામાં આવ્‍યા છે.

ડિમ્‍પલનાં પુત્રી ટ્‍વિન્‍કલ ખન્ના ગઈ કાલે અહીંની એક હોસ્‍પિટલની બહાર દેખાતાં એવી અફવા ઉડી હતી કે તે હોસ્‍પિટલમાં એમના માતા ડિમ્‍પલને દાખલ કરવામાં આવ્‍યા છે.

ડિમ્‍પલે કહ્યું હતું કે હું જીવતી છું અને સ્‍વસ્‍થ છું.

ડિમ્‍પલે એમ પણ કહ્યું કે એમનાં માતા બેટ્ટી કાપડિયાને હોસ્‍પિટલમાં દાખલ કરવામાં આવ્‍યાં છે અને હવે એમની તબિયત પણ સારી છે.

પોતાની તબિયત વિશે ઉડેલી અફવાથી ડિમ્‍પલ હસી પડ્‍યાં હતાં અને કહ્યું કે મારાં માતાને હોસ્‍પિટલમાં દાખલ કરવામાં આવ્‍યાં છે. એમની તબિયત હવે સારી છે. અમને એ માટે પ્રાર્થના અને શુભેચ્‍છાની જરૂર છે.

હજી થોડાક દિવસો પહેલાં જ ડિમ્‍પલ, ટ્‍વિન્‍કલ, જમાઈ અક્ષય કુમાર તથા તમામ પરિવારજનોએ બેટ્ટી કાપડિયાનો ૮૦મો જન્‍મદિવસ મહારાષ્ટ્રના શિલીમમાં એક રિસોર્ટ ખાતે ઉજવ્‍યો હતો. પરિવારના એ વેકેશનની તસવીરોને ટ્‍વિન્‍કલે એમના ઈન્‍સ્‍ટાગ્રામ હેન્‍ડલ પર શેર પણ કરી હતી.

ડિમ્‍પલ કાપડિયા કોઈક હોલીવૂડ ફિલ્‍મમાં કામ કરવાનાં છે. એ ફિલ્‍મ એક એક્‍શન ડ્રામા હશે જેનું દિગ્‍દર્શન ક્રિસ્‍ટોફર નોલન કરવાના છે અને એમાં રોબર્ટ પેટિન્‍સન, જોન ડેવિડ, એલિઝાબેથ ડેબિચી, હિમેશ પટેલ જેવા કલાકારો કામ કરશે. ફિલ્‍મના શૂટિંગ માટે કલાકારો હાલમાં જ મુંબઈ આવ્‍યા હતા. અનેક દેશોમાં આ ફિલ્‍મનું શૂટિંગ થવાનું છે.

ડિમ્‍પલ છેલ્લે ૨૦૧૫માં અનીસ બઝમીની વેલકમ બેકમાં ચમક્‍યાં હતાં. એમાં અનિલ કપૂર, જોન અબ્રાહમ, શ્રુતિ હસન, નસીરુદ્દીન શાહ, નાના પાટેકર, પરેશ રાવલ પણ હતા.

(10:41 am IST)