ફિલ્મ જગત
News of Thursday, 18th October 2018

મી ટુ આંદોલન માત્ર મહિલાઓ પૂરતું મર્યાદિત નથી: સાકીબ સલીમ

મુંબઈ: અભિનેતા સાકિબ સલીમે કહ્યું હતું કે મી ટુ આંદોલન માત્ર મહિલાઓ પૂરતું મર્યાદિત નથી. મનોરંજન ઉદ્યોગમાં માત્ર મહિલાઓ સાથે ગેરવર્તન થયું છે એવું નથી. પુરુષ કલાકારો સાથે પણ ગેરવર્તન થયું હતું.'મારીજ વાત કરોને. દસેક વર્ષ પહેલાં હું ૨૧ વર્ષનો હતો અને ફિલ્મોમાં કામ મેળવવા સતત ભટકતો હતો ત્યારની વાત છે. મને ફિલ્મમાં કામ અપાવવાની વાત કરનારા એક કહેવાતા એજન્ટે મારા પેન્ટમાં ગુપ્તાંગ તરફ હાથ નાખવાનો પ્રયાસ કર્યો હતો. સદ્ભાગ્યે હું એની પકડમાંથી છટકી જવામાં સફળ થયો હતો. જો કે હું ખૂબ ડરી ગયો હતો. ત્યાંથી બને તેટલી ઝડપે નાસી છૂટયો હતો. દિવસો સુધી એ ડર મારા મનમાંથી ગયો નહોતો.સાકિબ છેલ્લે સુપર સ્ટાર સલમાન ખાનની રેસ થ્રી ફિલ્મમાં દેખાયો હતો. એણે કહ્યું કે મેં એ માણસની કામુકતા કે વાસના પર નહીં પરંતુ મારી સાથે થઇ રહેલા ગેરવર્તનનો સામનો કર્યો હતો. આજે પણ એ ઘટના યાદ આવતાં હું ક્યારેક થથરી જાઉં છું. મી ટુ આંદોલન માત્ર સ્ત્રી-પુરુષ વચ્ચેના વર્તનનું નથી રહ્યું. એમાં પુરુષ પુરુષ વચ્ચેના વર્તનની પણ વાત આવે છે. અત્યાર અગાઉ મોખરાના અભિનેતા રણવીર સિંઘે પણ પોતાની સાથે કારકિર્દીના આરંભે ગેરવર્તન થયું હોવાની વાત થોડા દિવસ પહેલાં કરી હતી એ અત્રે યાદ રહે.

(4:57 pm IST)