ફિલ્મ જગત
News of Thursday, 18th October 2018

બે ફિલ્મો 'નમસ્તે ઇંગ્લેન્ડ' અને 'બધાઇ હો' આજથી રિલીઝ

દશેરાના તહેવાર અંતર્ગત આ અઠવાડીયે બે નવી ફિલ્મો 'નમસ્તે ઇંગ્લેન્ડ' અને 'બધાઇ હો' આવતીકાલે શુક્રવારે રિલીઝ થવાને બદલે આજે ગુરૂવારે રિલીઝ કરવામાં આવી છે.

નિર્માતા ધવલ જયંતિલાલ ગડા, અક્ષય જયંતિલાલ ગડા તથા રિલાયન્સ એન્ટરટેઇનમેન્ટ બેનર તથા નિર્દેશક વિપુલ અમૃતલાલ શાહની ફિલ્મ નમસ્તે ઇંગ્લેન્ડમાં સંગીત મનન શાહ, બાદશાહ અને રીચી રીચનું છે. ફિલ્મમાં અર્જૂન કપૂર, પરિણીતી ચોપડા, આદિત્ય સીલ, અનિલ માંગે સહિતે મુખ્ય ભૂમિકા નિભાવી છે. અક્ષય કુમાર આ ફિલ્મમાં મહેમાન કલાકાર તરીકે અમુક દ્રશ્યોમાં જોવા મળશે.

૨૦૦૭માં અક્ષય કુમાર અને કેટરીના કૈફને લઇને 'નમસ્તે લંડન' બનાવાઇ હતી. તેની સિકવલ અગિયાર વર્ષ પછી 'નમસ્તે ઇંગ્લેન્ડ'ના નામથી બનાવાઇ છે. આ ટિપીકલ રોમાન્ટીક કોમેડી ફિલ્મની કહાની જોઇએ તો પરમ (અર્જૂન કપૂર) અને જસમીત (પરિણીતી ચોપડા) પંજાબમાં રહે છે અને એક બીજાને પસંદ કરે છે. જસમીતના કેટલાક સપના છે જે તે પુરા કરવા ઇચ્છે છે, પણ તેને આ માટે સ્વતંત્રતા મળતી નથી.

પરમ જસમીત સાથે લગ્ન કરવા ઇચ્છે છે, એ પછી તે જસમીતના સપનાઓ પણ પુરા કરવા ઇચ્છે છે. બંનેના લગ્ન થઇ જાય છે પણ પછી કહાનીમાં વળાંક આવે છે. કહાની પંજાબથી થઇ ઢાકા, પેરિસ, બ્રુસેલ્સ થઇને લંડન પહોંચી જાય છે. જ્યાં જસમીતને તેના સપના પુરા કરવાની છુટ મળે છે. પણ સપના પુરા કરવા જતાં તેને શું ગુમાવવું પડે છે? અંતે શું થાય છે? તે ફિલ્મમાં જોવા મળશે.

ફિલ્મના ગીતો આતીફ અસલમ, આકાંક્ષા ભંડારી, વિશાલ ડડલાણી, બાદશાહ, રાહત ફતેહઅલી ખાન, મનન શાહ, દિલજીત દોસાંજ, આસ્થા ગીલ સહિતે ગાયા છે.

બીજી ફિલ્મ 'બધાઇ હો'ના નિર્માતા વિનીત જૈન, આલિયા સેન, હેમંત ભંડારી, અમિત રવિન્દ્રનાથ શર્મા અને નિર્દેશક અમિત રવિન્દ્રનાથ શર્મા છે. ફિલ્મમાં સંગીત તનિષ્ક બાગચી, રોચક કોહલી, કોૈશિક-આકાશ-ગુડ્ડુ-સની બાવરા અને ઇન્દર બાવરાનું છે. ફિલ્મમાં આયુષ્યમાન ખુરાના, સાન્યા મલ્હોત્રા, ગજરાજ રાવ, નીના ગુપ્તા, શીબા ચઢ્ઢા અને સુરેખા સિકરીની મુખ્ય ભૂમિકા છે.

કહાની જોઇએ તો નકુલ કોૈશિક (આયુષ્યમાન)ની ઉમર ૨૫-૨૬ વર્ષની થઇ ગઇ છે. તે પોતાના નાના ભાઇ તથા પિતા (ગજરાજ રાવ) અને માતા (નીના ગુપ્તા) સાથે રહે છે. એક દિવસે તેને તેના પિતા કહે છે કે ઘરમાં નવા મહેમાન આવવાના છે! નકુલ કંઇ મસજે એ પહેલા તેને કહેવામાં આવે છે કે તેના માતા ગર્ભવતી છે! આમ તો આ ખુશખબરી છે પણ તેના કારણે ઘરમાં ભૂકંપ આવી જાય છે. નકુલ ખુબ જ શરમ અનુભવવા માંડે છે. તેના મિત્રો તેની મજાક કરવા માંડે છે. પડોશીઓ પણ નકુલના પિતાની મજાક ઉડાવે છે. તેની મા તો શરમને કારણે કોઇને મોઢુ પણ દેખાડી શકતી નથી. નકુલના દાદી (સુરેખા સિકરી) પણ જેમ તેમ બોલવા માંડે છે.

નકુલને બેવડો માર પડે છે. જ્યારે તેની ગર્લફ્રેન્ડ સ્વીટી શર્મા (સાન્યા) પોતાની માતા (શીબા ચઢ્ઢા)ને આ વાત કરે છે ત્યારે  તે પણ નકુલ અને તેના પરિવાર વિશે એલફેલ બોલવા માંડે છે. તે પોતાની દિકરીના લગ્ન આ ઘરમાં કદી પણ નહિ થવા દે તેવું પણ કહી દે છે. નકુલ આ પરિસ્થિતિનો સામનો કઇ રીતે કરે છ? કેવી હાસ્યાસ્પદ પરિસ્થિતિઓ નિર્માણ પામે છે? તેની વાત 'બધાઇ હો'માં દેખાડાઇ છે.

(9:24 am IST)