ફિલ્મ જગત
News of Friday, 18th January 2019

ફિલ્મ ઊરી ધ સર્જિકલ સ્ટ્રાઇકે બોક્સ ઓફિસ પર સિમ્બાને પણ હંફાવી

બંને ફિલ્મોના બે સપ્તાહ બાદ ધીમી ગતિએ આગળ વધી રહેલી ઊરીએ ૬૦ કરોડનો બિઝનેસ નોંધાવ્યો

વીકી કૌશલને મુખ્ય ભૂમિકામાં ચમકાવતી ડેબ્યુ ડાયરેક્ટર આદિત્ય ધરની ફિલ્મ ઊરી ધ સર્જિકલ સ્ટ્રાઇકે કરણ જોહર અને રોહિત શેટ્ટની સિમ્બાને બોક્સ ઑફિસ પર હંફાવી હોવાના અણસાર મળ્યા હતા. ૨૦૧૬ના સપ્ટેંબરમાં કશ્મીરના ઊરી વિસ્તારમાં રાત્રે આરામ કરી રહેલા ભારતીય લશ્કરના જવાનો પર પીઠ પાછળ હુમલો કરીને આતંકવાદીઓએ ૧૮-૧૯ જવાનોને હણી કાઢ્યા હતા. એ પછી ભારતીય લશ્કરે પાકિસ્તાની કબજા હેઠળના કશ્મીરમાં સર્જિકલ સ્ટ્રાઇક કરીને ડઝનબંધ આતંકવાદી તાલીમ શિબિરો નષ્ટ કર્યા હતા. આદિત્યે આ ઘટનાની ફિલ્મ ઊરી ધ સર્જિકલ સ્ટ્રાઇક બનાવી છે જેમાં વીકી કૌશલ અને યામી ગૌતમ મુખ્ય ભૂમિકા કરી રહ્યા છે.

 બીજી બાજુ એક્શન ફિલ્મોના બેતાજ બાદશાદ અને ૧૦૦ કરોડની ફિલ્મો બનાવવા માટે પંકાયેલા રોહિત શેટ્ટીએ કરણ જોહર નિર્મિત ફિલ્મ સિમ્બામાં એક ભ્રષ્ટ અને તરંગી મિજાજના પોલીસ ઇન્સ્પેક્ટરને રજૂ કરતી ફિલ્મ સિમ્બા બનાવી હતી. 

 સિમ્બાની માર્કેટિંગ ટીમે આ ફિલ્મનો જબરદસ્ત પ્રચાર કર્યો હતો. બંને ફિલ્મો રજૂ થઇ ત્યારે શરૃમાં એવું લાગતું હતું કે સિમ્બા ઊરીને આંખના પલકારામાં હંફાવી દેશે. પરંતુ ઊરીએ ધીમી પણ મક્કમ ગતિએ પોતાની વિકાસયાત્રા જારી રાખી હતી અને બંને ફિલ્મો રજૂ થયાના બે સપ્તાહ બાદ જોવા મળ્યું હતું કે ધીમી ગતિએ આગળ વધી રહેલી ઊરીએ ૬૦ કરોડનો બિઝનેસ નોંધાવ્યો હતો જ્યારે સિમ્બાની બોક્સ ઑફિસ પરની આવકમાં ઘટાડો નોંધાયો હતો

(9:58 pm IST)