ફિલ્મ જગત
News of Wednesday, 17th October 2018

સુભાષ ઘાઈને મી ટુ આંદોલન લીધે થયું નુકશાન

મુંબઇ: પ્રથમ હરોળના ફિલ્મ સર્જક સુભાષ ઘાઇ પર કેટલીક મહિલા કલાકારો દ્વારા થયેલા જાતીય કનડગતના આક્ષેપોને કારણે સુભાષ ઘાઇને  ભારે નુકસાન થવાની ભીતિ હોવાનું જાણવા મળ્યું હતું.સુભાષ ઘાઇએ પોતે શરૃ કરવા ધારેલી એક્ટિંગ સ્કૂલ માટે મહારાષ્ટ્ર રાજ્ય સરકાર પાસે રાહતના દરે અથવા નિઃશુલ્ક જમીન માગી હતી. રાજ્ય સરકારે લગભગ આ વિનંતી સ્વીકારી લીધી હતી અને ગમે તે ઘડીએ ઘાઇને જમીન આપવાની ઔપચારિક જાહેરાત થવાની હતી. પરંતુ મી ટુ આંદોલનમાં ઘાઇ સામે થયેલા ગંભીર આક્ષેપો જોતાં રાજ્ય સરકાર પોતાના નિર્ણયમાં પીછેહઠ કરે એવી શક્યતા હોવાનું જાણવા મળ્યું હતું.   આ માહિતી આપનારાં સૂત્રોએ કહ્યું કે યુવાન ફિલ્મ સર્જકો અને કાસ્ટિંગ ડાયરેક્ટર્સ સામે આવા આક્ષેપો થાય એ સમજી શકાય પરંતુ સુભાષ ઘાઇ જેવા સિનિયર ફિલ્મ સર્જક પર આવા આક્ષેપ થાય એની ગંભીર નોંધ લેવાતી હોય છે. સુભાષ ઘાઇએ જેકી શ્રોફ, માધુરી દીક્ષિત અને મનીષા કોઇરાલા જેવા કલાકારોને આગળ આવવાની તક આપી હતી. એમના જેવા પીઢ સર્જક પર થયેલો આક્ષેપ કમરતોડ પ્રહાર સમાન ગણાય. આ સંજોગોમાં રાજ્ય સરકાર ઘાઇને આપવા ધારેલી જમીન ન આપે એવી શક્યતા વધી જાય છે.ઘાઇની સાથે નિકટતાથી કામ કરી ચૂકેલા એક સાથીદારે પોતાની ઓળખ છૂપાવીને આપેલી માહિતી મુજબ 'મેં ઘાઇની કાસ્ટિંગ પદ્ધતિ વિશે ઘણું સાંભળ્યું છે. જો કે મારી નજર સામે કશું અઘટિત બન્યું નથી. પરંતુ સાંભળેલું છે કે એ સહેલાઇથી કોઇને સાઇન કરતા નથી.

(5:09 pm IST)