મૌની પાસેથી ઘણું શીખ્યું છેઃ મોહિત કરે છે વખાણ
મોહિત રૈના ડિસ્કવરી જીત ચેનલના શો ૨૧-સરફરોશમાં મુખ્ય રોલ નિભાવી રહ્યો છે. મોહિતનો આ શો સારાગઢીના યુધ્ધ પર આધારીત છે. તે કહે છે આ ખુબ જ રોચક કહાની છે. આથી મેં શોમાં કામ કરવાની હા પાડવામાં જરાય સમય લગાડ્યો નહોતો. મોહિત કહે છે પાત્રને ન્યાય આપવા મેં વજન પણ વધાર્યુ છે. સાથોસાથ બોડી લેંગ્વેજ પર પણ ધ્યાન આપ્યું છે. મોહિતની ખાસ દોસ્ત મૌની રોયને સિરીયલનું ટ્રેલર ખુબ ગમ્યું હતું. આ બંને ગમે ત્યારે લગ્ન કરી લેશે તેવી ચર્ચાઓ અગાઉ ખુબ થઇ હતી. દેવો કે દેવ મહાદેવમાં મોહિત અને મૌનીએ સાથે કામ કર્યુ હતું. મોહિત કહે છે મેં મૌની પાસેથી ઘણુ શીખ્યું છે. મને લાગે છે મૌનીથી વધુ સારી સહકલાકાર કોઇ હોઇ શકે નહિ. એક કલાકાર તરીકે તમારે કેટલુ સખ્ત કામ કરવાનું છે એ મેં મૌની પાસે શીખ્યું છે. અમે બંને એક બીજાને અભિનયની ટીપ્સ આપીએ છીએ.