અજય દેવગણ કરશે કેમિયો ફિલ્મ સિમ્બામાં
મુંબઇ: ફિલ્મ સર્જક કરણ જોહરની રોહિત શેટ્ટી નિર્દેશિત ફિલ્મ સિમ્બામાં સિનિયર અભિનેતા ફિલ્મ સર્જક અજય દેવગણનો એક કેમિયો હશે એેવી માહિતીએ બોલિવૂડમાં વિસ્મયની લાગણી પ્રવર્તાવી હતી.આમ થવાનું કારણ પણ છે. હજુ ગઇ કાલ સુધી અજય દેવગણ અને કરણ જોહર વચ્ચે એક પ્રકારની ગેરસમજ કહો કે અણબનાવ કહો એવું હતું. બંને એકમેકની સામે સુદ્ધાં આવતાં નહોતાં. વાત કરવાનો તો સવાલ જ નહોતો. હવે કરણની ફિલ્મમાં અજય કેમિયો કરે તો સ્વાભાવિક છે કે સૌને નવાઇ લાગે. પરંતુ આ કિસ્સામાં રોહિત અને કાજોલ નિમિત્ત બન્યાં છે. ગયા સપ્તાહે આ સ્થાનેથી અમે તમને જણાવેલું કે કાજોલે કરણ અને અજય વચ્ચે સમાધાન કરાવ્યું છે અને બંને જણ કૉફી વીથ કરણમાં પણ સાથે દેખાશે.બીજી બાજુ અજય અને રોહિતની દોસ્તી પણ જાણીતી છે. આ બંનેએ એક તરફ ગોલમાલ અગેન જેવી સુપરહિટ કોમેડી આપી છે તેમ સિંઘમ જેવી હિટ એક્શન ફિલ્મો પણ આપી છે. સિમ્બામાં પણ એક પોલીસ ઑફિસરની કથા છે જે ધૂની-તરંગી છે. આ ફિલ્મની પરાકાષ્ઠામાં સિંઘમ પણ થોડી વાર માટે જોવા મળશે એેમ રોહિતના પ્રવક્તાએ કહ્યું હતું. રોહિત દર્શકોને આશ્ચર્યચકિત કરવા માગે છે એટલે ફિલ્મના ક્લાયમેક્સમાં સિંઘમ (અજય દેવગણ ) પણ જોવા મળશે એવું આ પ્રવક્તાએ કહ્યું હતું.સિમ્બામાં રણવીર સિંઘ અને સારા અલી ખાન ચમકી રહ્યાં છે. ફિલ્મ લગભગ તૈયાર છે અને હાલ પોસ્ટ પ્રોડક્શન લેવલે છે.