ફિલ્મ જગત
News of Friday, 16th November 2018

ચાર ફિલ્મો 'મોહલ્લા અસ્સી', 'ઘૂમકેતુ','પીહૂ' અને 'હોટેલ મિલન' રિલીઝ

આજથી ચાર ફિલ્મો 'મોહલ્લા અસ્સી', 'ઘૂમકેતુ', 'પીહૂ' અને 'હોટેલ મિલન' રિલીઝ થઇ છે.

નિર્માતા વિનય તિવારી અને નિર્દેશક ડો. ચંદ્રપ્રકાશ દ્વિવેદીની આ ફિલ્મમાં સની દેઓલ, સાક્ષી તન્વર, રવિ કિશન, સોૈરભ શુકલા, મુકેશ તિવારી, રાજેન્દ્ર ગુપ્તા અને મિથિલેશ ચતુર્વેદી મુખ્ય ભૂમિકામાં છે.

કહાની જોઇએ તો ધર્મનાથ પાંડે સંસ્કૃતના અધ્યાપક છે. સવારે તે ઘાટ પર બેસીને તિર્થયાત્રીઓના કામ કરે છે અને બપોર પરછી સંસ્કૃત ભણાવે છે. તે ધર્મરક્ષા પરિષદના અધ્યક્ષ પદે પણ છે અને પોતાના સિધ્ધાંતો પર અડગ રહેનાર વ્યકિત છે. ગ્લોબનાઇઝેશનની અસર બનારસ અને અસ્સી ઉપર પણ પડે છે. અનેક વિદેશી ચહેરા અહિ જોવા મળે છે અને અસ્સીમાં રહેવા માટે ઘર શોધવા માંડે છે. પરંતુ મોહલ્લા અસ્સીમાં કોઇપણ વિદેશી પેઇંટ ગેસ્ટ બની શકતા નથી. ધર્મનાથને આ બાબતે વાંધો હોય છે. તે માને છે કે બ્રાહ્મણોના ઘરમાં વિદેશીઓનું શું કામ? આમ છતાં કેટલાક લોકો પૈસા કમાવવાની લાલચમાં વિદેશીઓને રહેવા જગ્યા આપવા ઇચ્છે છે. પરંતુ ધર્મનાથ વિરૂધ્ધ જવાની કોઇ હિમ્મત કરતું નથી.

પણ અંતે એક સમય એવો આવે છે કે ખુદ ધર્મનાથને પણ પોતાના સિધ્ધાંતો સાથે સમાધાન કરવુ પડે છે. તેની સંસ્કૃત શિક્ષકની નોકરી જતી રહે છે. પરિવારના પાલન માટે વિદેશીને પોતાના ઘરે પેઇંટ ગેસ્ટ તરીકે રાખે છે. અહિ કન્ની ગુરૂ (રવિ કિશન) પણ છે જેના જીવનમાં સિધ્ધાંતનું કોઇ મહત્વ નથી. નેકરામ (ફૈજલ રશીદ) જે કેટલાક સિધ્ધાંતો ધરાવે છે. આ ત્રણેયના સિધ્ધાંતોની ટક્કર બદલાઇ રહેલા સમય અનુસાર દેખાડાઇ છે.

બીજી ફિલ્મ 'ઘૂમકેતુ' કોમેડી ફિલ્મ છે. આ ફિલ્મના નિર્માતા અનુરાગ કશ્યપ, વિકાસ બહેલ, વિક્રમાદિત્ય મોટવાણી, મધુ મંટેના અને નિર્દેશક પુષ્પેન્દ્ર મિશ્રા છે. ફિલ્મમાં સંગીત પ્રિતમ ચક્રવર્તીએ આપ્યું છે. નવાજુદ્દિન સિદ્દીકી, રાગીની ખન્ના, ઋચા ચઢ્ઢા, અનુરાગ કશ્યપ, જીમ્મી શેરગીલ, સ્વાનંદ કિરકિરે, રઘુવીર યાદવ સહિતની ભુમિકા છે. તો અમિતાભ બચ્ચન, રણવીરસિંહ, સોનાક્ષી સિન્હા અને અર્જૂન કપૂરે ગેસ્ટ રોલ નિભાવ્યો છે. નવાજુદ્દિનનો રોલ એવા યુવાનનો છે જે રાઇટર બનવા ઇચ્છે છે અને આ કારણે તે લખનોૈથી મુંબઇ સુધીની સફર કરે છે. અગાઉ તે બજરંગી ભાઇજાન, ફ્રિકી અલીમાં કોમેડી કરી ચુકયો છે. વધુ એક વખત તે કોમેડી કરતો જોવા મળશે.

ત્રીજી ફિલ્મ 'પિહૂ'ના નિર્માતા રોની સ્ક્રૂવાલા, સિધ્ધાર્થ રોય કપૂર, શિલ્પા જીંદાલ અને નિર્દેશક વિનોદ કાપડી છે. ફિલ્મમાં માયરા વિશ્વકર્મા નામની બાળ કલાકારએ પિહૂની મુખ્ય ભૂમિકા નિભાવી છે. સાથે પ્રેમા શર્મા મહત્વના રોલમાં છે. વિનોદ કાપડી નેશનલ એવોર્ડ વિજેતા નિર્દેશક છે.  આ ફિલ્મની પ્રેરણા તેમને અખબારમાં પ્રસિધ્ધ થયેલી સત્ય ઘટના પરથી મળી  છે. ૨૦૧૪માં બે વર્ષની એક બાળકી ઘરમાં એકલી હોય છે ત્યારે શું થાય છે? તેનો લેખ તેણે વાંચ્યો હતો. પિહૂ સામાજીક થ્રિલર ફિલ્મ છે. આ ફિલ્મ ઇરાન, વૈંકુવર, મોરક્કો, જર્મની સહિત અનેક ફિલ્મ સમારોહમાં ધૂમ મચાવી ચુકી છે. ફિલ્મ સત્ય ઘટના પર આધારીત છે. જ્યાં બે વર્ષની બાળકી ઘરમાં એકલી છે અને તેની માતા એક રૂમમાં મૃત પડી છે. નિર્દોષ અને માતાના મોતથી અજાણ બાળકી કેવી-કેવી પરિસ્થિતિનો સામનો કરે છે તે વાત અહિ રજૂ થઇ છે. ટ્રેલરને અસંખ્ય લોકોએ જોઇ લીધું છે.

ચોથી ફિલ્મ 'હોટેલ મિલન'ના નિર્માતા હરેશ પટેલ અને નિર્દેશક વિશાલ મિશ્રા છે. ફિલ્મમાં કૃનાલ રોય કપૂર, કરિશ્મા શર્મા, ઝૈશાન કાદરી, જયદિપ અહલાવત, રાજેશ શર્મા, ઝાકીર હુશેન, માલવી મલ્હોત્રા સહિતે ભૂમિકા નિભાવી છે. સંગીત હર્ષિત સકશેનાનું છે. કોમેડી જોનરની આ ફિલ્મમાં એન્ટી રોમિયો સ્કવોડને કારણે પ્રેમી પંખીડાઓની હાલત કેવી થાય છે તેના ઉપર કટાક્ષ કરવામાં આવ્યો છે. વિપુલ (કૃણાલ રોય કપૂર), શાહીન (કરિશ્મા શર્મા) અને સોૈરભ (ઝૈશાન કાદરી) નામના ત્રણ મિત્રોની આ કહાની છે. આ ત્રણેય ભેગા મળી હોટેલ મિલન નામનું ગેસ્ટ હાઉસ ચાલુ કરે છે. પરંતુ સમયાંતરે આ ગેસ્ટહાઉસમાં બીજા ઉતારૂઓ કરતાં લવર્સની અવર-જવર વધી જાય છે. એન્ટી રોમિયો સ્કવોડની નજરે આ હોટેલ ચડી જાય છે પછી શું થાય છે તે કોમેડી સાથે દર્શાવાયું છે.

(10:52 am IST)