ફિલ્મ જગત
News of Saturday, 16th January 2021

ઋષિ કપૂરની છેલ્લી હિન્‍દી ફિલ્‍મ ‘શર્માજી નમકીન'માં તેની સ્‍થાને પરેશ રાવલઃ સાથે હશે જુહી ચાવલા

મુંબઈઃ દિવંગત અભિનેતા ઋષિ કપૂરની છેલ્લી ફિલ્મ 'શર્માજી નમકીન'ને 4 સપ્ટેમ્બરે તેમની જયંતિ પર મોટા પડદા પર રિલીઝ કરવાની યોજના બનાવવામાં આવી રહી છે. ફિલ્મનું શૂટિંગ હજુ બાકી છે. તેનું કારણ છે કે ઋષિ કપૂરની ભૂમિકાનું શૂટ પૂરુ થયું નથી અને હવે તેને પૂરુ કરવામાં આવી રહ્યું છે.

પરેશ રાવલ કરશે અભિનય

અભિનેતા પરેશ રાવલ, ઋષિ કપૂરના અધુરા ભાગને પૂરા કરવા માટે સહમત થઈ ગયા છે. ફિલ્મમાં એક 60 વર્ષના વ્યક્તિની કહાની છે. મેકગફિન પિક્ચર્સની સાથે રિતેશ સિધવાની અને ફરહાન અખ્તર દ્વારા નિર્મિત આ ફિલ્મ ડેબ્યૂટેન્ટ હિતેશ ભાટિયા ડાયરેક્ટર છે.

આ વર્ષે રિલીઝ થશે ફિલ્મ

ટ્રેડ એનલિસ્ટ કોમલ મેહતાએ શુક્રવારે ટ્વીટમાં કહ્યું, 'શર્માજી નમકીન, દિવંગત અભિનેતા ઋષિ કપૂરની છેલ્લી ફિલ્મ આ વર્ષે સિનેમાઘરોમાં રિલીઝ થશે અને આ તેમનું છેલ્લું પરફોર્મન્સ હશે.'

આ ફિલ્મોમાં જોવા મળી હતી જૂહી-ઋષિની જોડી

મહત્વનું છે કે આ ફિલ્મમાં અભિનેત્રી જૂહી ચાવલા પણ અભિનય કરતી જોવા મળશે. જૂહી ચાવલા 1990ના દાયકામાં બોલ રાધા બોલ, ઈના મીના ડીકા અને દરાર જેવી ફિલ્મોમાં ઋષિ કપૂર સાથે કામ કર્યુ હતું. આ ફિલ્મની ટીમને કપૂરની ખોટ પડવાની છે.

(4:56 pm IST)