નામ અને દામ બંને મેળવી ખુશ છે સાન્યા મલ્હોત્રા
અભિનેત્રી સાન્યા મલ્હોત્રાને આજે બોલીવૂડમાં ઓળખ મળી ચુકી છે. ૨૦૧૬માં આમિર ખાનની ફિલ્મ દંગલ થકી બોલીવૂડમાં એન્ટ્રી કરનાર સાન્યાને નામ અને દામ બંને મળવા લાગ્યા છે. સાન્યાની વધુ બે ફિલ્મો પટાખા અને બધાઇ હો પણ દર્શકોને ગમી છે. સાન્યાના અભિનયના પણ ખુબ વખાણ થયા છે. તેમાં પણ આયુષ્યમાન ખુરાના સાથેની બધાઇ હો ફિલ્મે બોકસઓફિસ પર ભરપુર કમાણી કરતાં સાન્યાને પણ ખુબ ફાયદો થયો છે. સાન્યાએ પોતે કરેલા સંઘર્ષ બાબતે કહે છે કે ચાર વર્ષ પહેલા ૧૫મી ડિસેમ્બરે તે મુંબઇ આવી હતી. માર્ચ, એપ્રિલ સુધી તેની પાસે કામ નહોતું. તે ખુબ શરમાળ હતી, ઓડિશનમાં ભીડ જોઇને તે ત્યાંથી નીકળી જતી હતી. એ પછી ત્રણેક મહિના પછી ફરી ઓડિશનમાં જતી હતી. કામ ન મળતાં પિતાને ફોન કરીને વાત કરતી હતી. પિતા તેને ધીરજ રાખવાનું કહેતાં હતાં. અંતે દંગલ ફિલ્મે તેનું નસિબ ચમકાવી દીધું. આજે સાન્યા સફળ બની ગઇ છે. નવાજુદ્દિન સાથે તેની ફિલ્મ ફોટોગ્રાફ પણ આવી રહી છે.