ફિલ્મ જગત
News of Monday, 15th October 2018

મેં પણ મારી કારર્કિદીમાં હેરેસમેન્‍ટનો સામનો કર્યો છે, ૨પ વર્ષ પહેલા મને હેરાન કર્યો હતોઃ સૈફ અલી ખાનની કબુલાત॥

બોલિવુડમાં શરૂ થયેલી #MeToo મૂવમેન્ટનું સૈફ અલી ખાને સમર્થન કર્યું છે. તેણે કહ્યું કે જે મહિલાને સપોર્ટની જરૂર છે તે ખૂલીને બહાર આવી રહી છે. આવા વિષયો પર વાત કરવી આસાન નથી. #MeToo પર બોલતા સૈફે પોતાની સાથે થયેલી એક ખરાબ ઘટના યાદ કરી હતી.

હેરેસમેન્ટનો સામનો કર્યોઃ

સૈફે જણાવ્યું કે 25 વર્ષ પહેલા તેનું પણ શોષણ થયુ હતુ જો કે તે જાતીય શોષણ નહતું. સૈફે કહ્યું, “મેં મારી કારકિર્દીમાં હેરેસમેન્ટનો સામનો કર્યો છે. જો કે એ સેક્શુઅલ નહતુ. મને 25 વર્ષ પહેલા હેરાન કરવામાં આવ્યો હતો. આજે પણ હું તેના વિષે વિચારુ છું તો મને ગુસ્સો આવે છે.”

મહિલાઓ પર ધ્યાન આપવાની જરૂરઃ

સૈફે કહ્યું, “ઘણા લોકો બીજાને સમજતા નથી. બીજાના દર્દને સમજવુ જરૂરી છે. હું આ અંગે વાત નથી કરવા માંગતો કારણ કે મને લાગે છે કે આજની તારીખે તે જરૂરી નથી. આપણે મહિલાઓ પર ધ્યાન આપવાની જરૂર છે.”

દોષીને સજા મળવી જોઈએઃ

સૈફે કહ્યું કે જો કોઈ દોષી હોય તો તેને સજા મળવી જોઈએ ભલે તે જૂનો કેસ કેમ ન હોય. લોકો અપમાનિત થયા છે અને તેમને ન્યાય મળવો જોઈએ. જે પણ થયુ તે ઠીક નહતુ. જેમણે શોષણ કર્યું છે તેમણે સજા ભોગવવી પડશે. તમે કોઈને ફિલ્મમાંથી હાંકી કાઢો તે મોટી વાત છે. જે લોકો યૌન શોષણ કરે છે અને મહિલાઓને ગાળો આપે છે તેમણે કિંમત ચૂકવવી પડશે.

સાજિદ પર આરોપઃ

સૈફ સાજિદ સાથે ફિલ્મ હમશકલ્સમાં કામ કરી ચૂક્યો છે. બે એક્ટ્રેસ બિપાશા બાસુ અને ઈશા ગુપ્તાએ સાજિદ પર અસભ્ય વ્યવહારનો આરોપ લગાવ્યો છે. ઈશાએ જણાવ્યું કે સાજિદ સાથે તેને ઘણી બોલચાલ થઈ હતી. આ ઉપરાંત સાજિદ પર ત્રણ બીજી મહિલાઓએ પણ યૌન શોષણનો આરોપ લગાવ્યો છે. આ પછી સાજિદને હાઉસફૂલ 4માં રિપ્લેસ કરી દેવામાં આવ્યો છે.

મારી હાજરીમાં આવુ ન થવા દઉંઃ

સૈફને આ અંગે પૂછવામાં આવ્યુ તો સૈફે કહ્યું, મને ખરેખર યાદ નથી કે આવી કોઈ ઘટના મારી સાથે ઘટી હોય. હું આવા માહોલમાં કામ કરવા કમ્ફર્ટેબલ નથી. હું મારી સામે આ બધુ થવા નથી દેતો. કોઈ યૌન શોષણ માટે દોષી હોય તો હું તેની સાથે ફરી ક્યારેય કામ નહિં કરુ.

(6:28 pm IST)