શાહરુખ ખાને તમિલ ફિલ્મની રીમેકમાં કામ કરવાની કહી દીધી ના
મુંબઈ:બોલિવૂડના બેતાજ બાદશાહ ગણાતા અભિનેતા ફિલ્મ સર્જક શાહરુખ ખાને કહ્યું હતું કે મને હિટ તમિળ ફિલ્મ વિક્રમ વેધ પરથી હિન્દી રિમેક કરવામાં રસ નથી.અગાઉ સાઉથની ઘણી હિટ ફિલ્મો પરથી હિન્દી રિમેક બની છે અને સુપરહિટ નીવડી છે. દાખલા તરીકે સલમાન ખાનને રાતોરાત સ્ટાર બનાવનારી ફિલ્મ વોન્ટેડ, અજય દેવગણની સિંઘમ, અક્ષય કુમારની રાઉડી રાઠોડ વગેરે ફિલ્મો મૂળ સાઉથની હિટ ફિલ્મો હતી. તાજેતરમાં એવી વાતો વહેતી થઇ હતી કે ૨૦૧૭માં રજૂ થયેલી અને હિટ નીવડેલી તમિળ ફિલ્મ વિક્રમ વેધની હિન્દી રિમેક માટે શાહરુખ ખાનનો સંપર્ક સાધવામાં આવ્યો હતો. મૂળ ફિલ્મમાં આર માધવન અને વિજય સેતુપતિ ચમક્યા હતા અને એક્શન થ્રીલર ફિલ્મ હતી. શરૃમાં શાહરુખને આ ફિલ્મની વાતમાં રસ પડયો હતો પરંતુ પાછળથી એણે રસ ગુમાવી દીધો હતો.આ રિમેકના ક્રિયેટિવ કન્સલ્ટન્ટ તરીકે બોલિવૂડમાં એક કરતાં વધુ હિટ ફિલ્મો આપનારા સર્જક નીરજ પાંડે સેવા આપી રહ્યા છે. શાહરુખની ઇચ્છા એવી હતી કે હિન્દી રિમેકના ડાયરેક્શનની જવાબદારી પણ નીરજ સંભાળે.શાહરુખને પોલીસ અધિકારીનો (માધવને કરેલો ) રોલ ઑફર થયો હતો . જો કે એણે વિજય સેતુપતિવાળો રોલ પસંદ કર્યો હતો.જે કંઇ બન્યું તે, પરંતુ હવે શાહરુખે આ ફિલ્મ કરવાની ના પાડી હોવાની માહિતી મળી હતી.