ન્યૂયોકમાં બેસ્ટ એકટરના એવોર્ડથી થયું મનોજ બાજપેયનું સન્માન
મુંબઈ:પોતાની આગવી અભિનય શૈલી દ્વારા પંકાયેલા અભિનેતા મનોજ બાજપેયીને ન્યૂયોર્ક ઇન્ડિયન ફિલ્મ્સ ફેસ્ટિવલમાં બેસ્ટ એક્ટરના એવોર્ડની નવાજેશ કરાઇ હોવાની માહિતી મળી હતી. ખુદ મનોજે ટ્વીટર પર આ માહિતી મૂકતાં લખ્યું કે ગુલ ગુલૈયાંના મારા અભિનયની કદર રૃપે મને ન્યૂયોર્ક ઇન્ડિયન ફિલ્મ્સ ફેસ્ટિવલમાં બેસ્ટ એક્ટરનો એવોર્ડ એનાયત કરાયો હતો. આપ સૌનો આભાર. ખાસ તો ફિલ્મની ટીમ અને ડાયરેક્ટર દીપેશ જૈનનો ખાસ આભાર. મનોજે અભિનયની કારકિર્દી શરૃ કરી ત્યારથી એ સતત પોતાના વિશિષ્ટ અભિનય દ્વારા લગભગ દરેક ફિલ્મમાં છવાઇ જતો દેખાયો હતો. જો કે આ વરસે રજૂ થયેલી એની નીરજ પાંડે નિર્દેશિત ફિલ્મ ઐયારીને બોક્સ ઑફિસ પર ધાર્યો પ્રતિભાવ મળ્યો નહોતો. આ ફિલ્મમાં સિદ્ધાર્થ મલ્હોત્રા એની સાથે ચમક્યો હતો. ફિલ્મમાં ભારતીય લશ્કરના અધિકારીઓની કામગીરી પર પ્રકાશ પાડવામાં આવ્યો હતો. પરંત દર્શકોને આ ફિલ્મ બહુ ગમી નહોતી એવું બોક્સ ઑફિસના પ્રતિભાવ પરથી જાણી શકાયું હતું.