ફિલ્મ જગત
News of Wednesday, 15th January 2020

બોક્સ ઓફિસના આંકડાથી સ્‍પષ્‍ટઃ દીપિકા પાદુકોણનો ફિલ્મ છપાક દર્શકોને પસંદ ન આવીઃ અજય દેવગણની ફિલ્મ તાનાજીઃ ધ અનસંગ વોરિયરએ બોક્સ ઓફિસ ઉપર ધમાલ મચાવી

નવી દિલ્હી: બોક્સ ઓફિસના આંકડા સ્પષ્ટ જણાવી રહ્યાં છે કે દીપિકા પાદુકોણની ફિલ્મ છપાક દર્શકોને વધુ પસંદ આવી રહી નથી. 35થી 40 કરોડના બજેટમાં બનેલી આ ફિલ્મની સ્થિતિ કઈ એટલી સારી નથી. આ બાજુ અજય દેવગણની ફિલ્મ તાનાજી: ધ અનસંગ વોરિયર બોક્સ ઓફિસ પર છેલ્લા ચાર દિવસથી ધમાલ મચાવી રહી છે. અજય દેવગણની આ ફિલ્મ રિલીઝ થઈ તે જ દિવસથી બોક્સ ઓફિસ પર છવાઈ ગઈ છે. બીજી બાજુ છપાક દર્શકો માટે તરસી રહી છે.

આ બંને ફિલ્મોનું ચોથા દિવસની બોક્સ ઓફિસ કલેક્શન પણ સામે આવી ગયું છે. 'તાનાજી ધ અનસંગ વોરિયર' અને 'છપાક' બંને ફિલ્મો સત્યગાથા પર આધારિત છે. પરંતુ દર્શકોને 'તાનાજી' વધુ પસંદ આવી રહી છે. આવું બોક્સ ઓફિસના આંકડા બતાવે છે. બોક્સ ઓફિસ ઈન્ડિયાના આંકડા મુજબ 'તાનાજી'એ જ્યાં પહેલા દિવસે 14.50 કરોડ, બીજા દિવસે 19.75 કરોડ અને ત્રીજા દિવસે 25.50 કરોડ રૂપિયાની કમાણી કરી હતી ત્યાં ચોથા દિવસે પણ તેના હાથે 13.50 કરોડ રૂપિયા લાગ્યા છે. આ જોતા 'તાનાજી'એ ચાર દિવસમાં લગભગ 73.25 કરોડ રૂપિયાના આંકડાને પાર કરવામાં સફળતા મેળવી છે.

વાત કરીએ 'છપાક'ની તો બોક્સ ઓફિસમાં પહેલા દિવસે જ્યાં 4.50 કરોડ રૂપિયા મળ્યાં ત્યાં બીજા દિવસે 6.50 કરોડ, ત્રીજા દિવસે 7 કરોડ અને ચોથા દિવસે તો માત્ર બે કરોડ જેટલા જ હાથ લાગ્યાં છે. આમ છપાકની કુલ કમાણી 20 કરોડ રૂપિયા જ થઈ છે. દીપિકાની 'છપાક' ફિલ્મ એસિડ એટેક સરવાઈવર લક્ષ્મી અગ્રવાલના જીવન પર આધારિત છે. ઓમ રાઉત દ્વારા નિર્દેશિત 'તાનાજી: ધ અનસંગ વોરિયર'માં અજય દેવગણ ઉપરાંત સૈફ અલી ખાન, કાજોલ, શરદ કેલકર, નેહા શર્મા અને પદ્માવતી રાવ પણ મહત્વની ભૂમિકામાં છે. જ્યારે મેઘના ગુલઝાર દ્વારા નિર્દેશિત છપાકમાં દીપિકા પાદુકોણ સાથે વિક્રાંત મેસી, મધુરજીત અને અંકિત બિષ્ટ પણ જોવા મળે છે.

(4:39 pm IST)