ફિલ્મ જગત
News of Tuesday, 15th January 2019

આમિર ખાનની ફિલ્મ 'ગઝની'ની સિક્વલ બનાવવાની તૈયારીઓ શરૂ

મુંબઈ:પોતાની પ્રિયતમા બળાત્કાર અને હત્યાનો ભોગ બની છે જાણ્યા બાદ અપરાધી સામે બદલો લેવા એક યુવક કેવી તૈયારી કરે છે અને કેવો બદલો લે છે એની કથા ધરાવતી આમિર ખાનની હિટ ફિલ્મ ગઝિની (૨૦૦૮)ની સિક્વલની તૈયારી થઇ રહી હોવાની જાણકારી મળી હતી.અલ્લુ અરવિંદ અને મધુ મન્તેના ફિલ્મના નિર્માતા હતા. ફિલ્મ તેલુગુ અને હિન્દીમાં બની હતી અને બંને હિટ નીવડી હતી. તાજેતરમાં આમિર ખાને કહ્યું હતું કે પોતાની આગામી ફિલ્મના રોલ માટે સ્ટ્રીક્ટ ડાયેટ પર છે. જો કે એણે ગઝિનીનું નામ ફોડ પાડીને લીધું નહોતું પરંતુ એની નિકટનાં સૂત્રોએ જણાવ્યા મુજબ ગઝિનીની સિક્વલની તૈયારી કરી રહ્યો હતો.આમિર ખાનને પહેલીવાર મેગાસ્ટાર અમિતાભ બચ્ચન સાથેે ચમકાવતી યશ રાજની ફિલ્મ ઠગ્સ ઑફ હિન્દુસ્તાન બોક્સ ઑફિસ પર ઊંધે માથે પટકાઇ પડી હતી. એના આઘાતમાંથી આમિર ધીમે ધીમે બહાર આવી રહ્યો છે.હિન્દી અને તેલુગુ બંને માટે ગઝિનીની સિક્વલનું ટાઇટલ રજિસ્ટર કરાવી લેવામાં આવ્યું છે. ટૂંક સમય માટે પોતાની યાદદાસ્ત ગુમાવી બેસતી કોઇ પણ વ્યક્તિ માટે ગઝિની શબ્દ વપરાતો થઇ ગયો જે સૂચવે છે કે ગઝિની કેવી કલ્ટ ફિલ્મ બની રહી હતી.

(4:47 pm IST)