ફિલ્મ જગત
News of Wednesday, 14th August 2019

પ્રિયંકા ચોપરાના એક જવાબથી પાકિસ્‍તાનનું રાજકારણ ગરમાયુ

નવી દિલ્હી : બોલીવુડ દેશી ગર્લ અને હવે ઇન્ટરનેશનલ સ્તરે જાણીતી બનેલ અભિનેત્રી પ્રિયંકા ચોપરાના એક જવાબે પાકિસ્તાનમાં રાજકારણ ગરમાવ્યું છે. તાજેતરમાં લોસ એન્જલસમાં યોજાયેલા એક કાર્યક્રમ દરમિયાન પાકિસ્તાની મહિલાએ પ્રિયંકા ચોપરાને પાખંડી ગણાવતાં પ્રિયંકા ચોપરાએ સણસણતો જવાબ આપ્યો હતો. પ્રિયંકા ચોપરાની જવાબથી પ્રભાવિત ઉપસ્થિત સૌએ તાલીયઓથી વધાવી હતી. હવે પ્રિયંકાના જવાબને લઇને વિવાદ ખડો કરતાં પાકિસ્તાની માનવાધિકાર મંત્રી શીરીન મજારીએ પ્રિયંકાને સંયુક્ત રાષ્ટ્ર શાંતિ સદભાવના રાજદૂતના પદેથી હટાવવાની માંગ કરી છે.

મજારીએ પ્રિયંકા સામે યુધ્ધોન્માદ ફેલાવવાનો આરોપ લગાવતાં ટ્વિટ કરી છે કે, યૂનિસેફે તાત્કાલિક ધોરણે પ્રિયંકા ચોપરાને રાજદૂત પદેથી હટાવવી જોઇએ. કારણ કે તેણીએ ભારતીય સેના અને મોદી સરકારનું સમર્થન કર્યું છે. એવું કરવામાં નહીં આવે તો આવી નિમણુંકો માત્ર એક તમાશો બનીને રહી જશે. યૂનિસેફે બાબત ગંભીરતાથી ધ્યાનમાં લેવી જોઇએ કે આવા પદ પર કોની નિયુક્તી કરવામાં આવે છે.

પાકિસ્તાની મંત્રીને પેટમાં દુખવાનું કારણ છે કે એક પાકિસ્તાની યુવતી દ્વારા પુછાયેલા સવાલનો પ્રિયંકાએ સણસણતો જવાબ આપ્યો હતો. આયશા મલિક નામની યુવતી દ્વારા પ્રિયંકા પર આરોપ લગાવાયો હતો કે તેણીએ પુલવામા હુમલા બાદ ભારતીય સેનાના સમર્થનમાં ટ્વિટ કરી પાકિસ્તાન વિરૂધ્ધ પરમાણું યુધ્ધના ખતરાને ઉત્તેજન આપ્યું હતું.

પ્રિયંકાએ તેણીનો સવાલ સાંભળ્યા બાદ જવાબ આપતાં કહ્યું હતું કે, મારા ઘણા બધા પ્રશંસક છે અને પાકિસ્તાનમાં પણ મારા ચાહકો મોટી સંખ્યામાં છે. માટે ઘણો આભાર. હું ભારતથી છું. જંગ કોઇ પણ સમસ્યાનું સમાધાન નથી અને હું એની તરફેણમાં પણ નથી. પરંતુ હું એક દેશભક્ત છું. આમ છતાં હું માફી માંગુ છું કે જો મારી કોઇ વાતથી તમને દુ: પહોંચ્યું હોય તો.

(5:12 pm IST)