આલિયા ભટ્ટ પિતા મહેશ ભટ્ટ માટે 'સડક ટુ'માં કરશે આ કામ, કરી રહી છે આ ખાસ તૈયારી
આલિયા ભટ્ટે ટૂંકી કારકિર્દીમાં જ સહુને પ્રભાવિત કરી દીધા છે. પોતની અભિનય ક્ષમતાનો પરચો આપીને તેણે બોલીવૂડમાં એક અલગ જ ઓળખ બનાવી છે. આલિયા હાલ રણબીર કપૂર સાથે ફિલ્મ 'બ્રહ્માસ્ત્ર'ના શૂટિંગમાં વ્યસ્ત છે. તેમજ તેણે પિતા મહેશ ભટ્ટની ફિલ્મ 'સડક ટુ' પર પણ કામ કરી દીધું છે.
આલિયાએ એક ઇન્ટરવ્યુ દરમિયાન જણાવ્યું હતુ કે, તે પોતાની આગામી ફિલ્મમાં ગીત ગાવાની છે. હવે એવું કહેવાય છે કે, તેણે 'સડક ટુ' માટે પોતાના અવાજમાં ગીતનું સ્ક્રેચ વર્ઝન રેકોર્ડ કરાવ્યું છે.
ફિલ્મના નિર્માતાઓના અનુસાર, જીત ગાંગુલીએ મ્યુઝિક તૈયાર કરી નાખ્યું છે, અને ગીતના બોલ પર હાલ કામ ચાલી રહ્યું છે. જીતને આલિયાની અવાજનો લય સમજવો હોવાથી તેણે એ ગીતનો હિસ્સો રેકોર્ડ કરવાનો નિર્ણય લીધો હતો.
આ ફિલ્મના શૂટિંગનું ઊટી શેડયુલ ઓગસ્ટમાં પુરુ થાય તેવી વકી છે. આ બાદ જ આ ગીતને રેકોર્ડ કરવામાં આવશે.આ ફિલ્મમાં આલિયા સાથે આદિત્ય રોય કપૂર, સંજય દત્ત અને પૂજા ભટ્ટ જોવા મળશે.આલિયા પ્રથમ વખત પિતા સાથે કામ કરી રહી છે. આ ફિલ્મ ૧૯૯૧માં આવેલી 'સડક'ની સિકવલ છે.