ફિલ્મ જગત
News of Friday, 14th May 2021

રણધીર કપૂરને ડિસ્ચાર્જ કરાયા, કોઈને નહીં મળી શકે

કોરોના બાદ પીઢ અભિનેતા હોસ્પિટલમાં દાખલ હતા : રણધીર કપૂરને શરીરમાં થોડી ધ્રૂજારી થયા બાદ તેમણે કોરોના ટેસ્ટ કરાવતા રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો

મુંબઈ, તા. ૧૪ : કોરોના મહામારીની બીજી લહેરમાં સામાન્ય લોકોની સાથે સેલિબ્રિટીઝ પણ આ વાયરસનો શિકાર બન્યા હતા. કોરોના મહામારીની બીજી લહેરમાં ઘણાં કલાકારોએ જીવ ગુમાવ્યો તો ઘણાં કોરોના સામેની જંગ જીતી ગયા છે. મહાન કલાકાર રાજ કપૂરના સૌથી મોટા પુત્ર અને એક્ટર રણધીર કપૂર પણ કોરોનાની ઝપેટમાં આવ્યા હતા. કોરોના સંક્રમિત થયા બાદ ૨૯મી એપ્રિલે રણધીર કપૂરને કોકિલાબેન અંબાણી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.

જો કે, હવે રણધીર કપૂરને હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. રણધીર કપૂરે કહ્યું, હું ઘરે આવી ગયો છું. મારી તબિયત એકદમ સારી છે. ઘરે આવ્યા બાદ પણ રણધીર કપૂર આગામી થોડા દિવસ સુધી પત્ની બબીતા કપૂર, દીકરીઓ કરિશ્મા અને કરીના તેમજ જમાઈ સૈફ અલી ખાન સહિત કોઈને પણ નહીં મળી શકે.

આ વિશે વાત કરતાં રણધીર કપૂરે કહ્યું, મને અત્યારે બધાથી દૂર રહેવાની સલાહ આપવામાં આવી છે. જો કે, આ થોડા દિવસોની વાત છે ત્યારબાદ હું લોકોને મળી શકીશ. કોરોના મુક્ત થયા બાદ રણધીર કપૂરે ઈશ્વરનો પાડ માન્યો હતો. સાથે જ કહ્યું, હું હોસ્પિટલના સ્ટાફનો પણ આભાર માનું છું. તેઓ ખૂબ સારા હતા. તેમણે મારું સરસ રીતે ધ્યાન રાખ્યું હતું. અગાઉ રણધીર કપૂરે જણાવ્યું હતું કે, શરીરમાં થોડી ધ્રૂજારી થયા બાદ તેમણે કોરોના ટેસ્ટ કરાવ્યો હતો અને રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. રણધીર ઉપરાંત તેમના પાંચ સ્ટાફ મેમ્બર પણ કોરોના પોઝિટિવ હતા. રણધીરનો રિપોર્ટ પોઝિટિવ આવતાં તેમની દીકરીઓ કરીના કપૂર, કરિશ્મા કપૂર તેમજ પત્ની બબીતા કપૂરનો પણ ટેસ્ટ થયો હતો. સદ્ભાગ્યે તેમનો રિપોર્ટ નેગેટિવ આવ્યો હતો.

રણધીર કપૂરે અગાઉ હોસ્પિટલમાંથી આપેલા ઈન્ટરવ્યૂમાં કહ્યું હતું, મારે ઓક્સિજન સપોર્ટની જરૂર નહોતી પડી. મને શ્વાસ લેવામાં પણ કોઈ તકલીફ નહોતી. આ ભગવાનની કૃપા જ છે. રણધીર કપૂરને હોસ્પિટલમાં ખસેડ્યા બાદ આઈસીયુમાં પણ દાખલ કરાયા હતા. ત્યારે એક્ટરે કહ્યું હતું કે માત્ર થોડા ટેસ્ટ કરવા માટે તેમને ત્યાં લઈ જવાયા હતા. જો કે, હવે ૭૪ વર્ષીય રણધીર કપૂરનો કોરોના રિપોર્ટ નેગેટિવ આવતાં પરિવારે રાહતનો શ્વાસ લીધો છે.

(7:41 pm IST)