ફિલ્મ જગત
News of Friday, 13th July 2018

હોકી ખેલાડી સંદિપસિંહના જીવન પરની ફિલ્મ 'સૂરમા' રિલીઝ

બીજી બે ફિલ્મો 'તેરી ભાભી હૈ પગલે' અને 'યે કૈસા તિગડમ' પણ આજથી પ્રદર્શિત

આજથી ત્રણ ફિલ્મો રિલીઝ થઇ છે. જેમાં ભારતીય હોકી ખેલાડી સંદિપસિંહના જીવન પરથી બનાવાયેલી ફિલ્મ 'સૂરમા'ની ખુબ ચર્ચા છે.

નિર્માતા ચિત્રાંગદા સિંહ, દિપકસિંહ અને નિર્દેશક શાદ અલીની આ ફિલ્મમાં સંદિપસિંહનો રોલ દિલજીત દોસાંજે નિભાવ્યો છે. ફિલ્મમાં તેની સાથે તાપસી પન્નુ, અંગદ બેદી, વિજય રાજ, કુલભુષણ ખરબંદા સહિતના કલાકારોની મુખ્ય ભૂમિકા છે.

હરિયાણાના સંદિપસિંહ ભારતીય હોકી ટીમમાં પેનલ્ટી કોર્નરના વિશેષજ્ઞ છે. સંદિપસિંહ ટ્રેનમાં યાત્રા કરી રહ્યા હતાં ત્યારે દુર્ઘટનાવશ ગોળી છુટી હતી અને એ ગોળી સંદિપસિંહને કમરના હાડકામાં ખુંપી ગઇ હતી. સંદિપ સિંહ એ વખતે ૨૦૦૬માં જર્મનીમાં રમાનારા હોકી વર્લ્ડકપમાં ભાગ લેવાની તૈયારી કરી રહ્યા હતાં. ગોળી લાગ્યા પછી ડોકટરોએ એવું કહી દીધુ હતું કે હવે તે ચાલી પણ શકે તો ઘણું કહેવાશે! પણ સંદિપ સિંહ અલગ જ માટીના માણસ બન્યા હતાં. તે ચાલવાનું તો ઠીક દોડવા માંડ્યા અને ભારતીય હોકી ટીમમાં ફરીથી સામેલ થઇ ગયા. ૨૦૦૯માં ટીમના કેપ્ટન બન્યા અને ૨૦૧૨માં ઓલિમ્પિકમાં પણ તેણે ભાગ લીધો હતો. સુરમા ફિલ્મમાં સંદિપ સિંહના સંઘર્ષ અને ફરીથી હોકી ટીમમાં સામેલ થવાની ક્ષમતાને દર્શાવાઇ છે.

બીજી ફિલ્મ 'તેરી ભાભી હૈ પગલે'ના નિર્માતા વિનોદ તિવારી  છે. ફિલ્મમાં કૃષ્ણા અભિષેક, રજનીશ દુગ્ગલ, મુકુલ દેવ, સુનિલ પાલ, અમન વર્મા, દિપશીખા નાગપાલ સહિતની મુખ્ય ભૂમિકા છે. આ કોમેડી ફિલ્મ છે.

ત્રીજી ફિલ્મ 'યે કૈસા તિગડમ'ના નિર્દેશક ઇસ્માઇલ દરબાર છે. ફિલ્મ ડ્રામા જોનરની છે. ફિલ્મમાં આશુતોષ રાણા, સાક્ષી ચોૈધરી, એઝાઝ ખાન, ઉષા નાડકર્ણી, વિજય પવાર સહિતે ભૂમિકા નિભાવી છે. નિર્માતા વિનીત રાને છે. સંગીત બાદશાહે આપ્યું છે.

(9:43 am IST)