ફિલ્મ જગત
News of Thursday, 13th May 2021

મારી તબીયતના કારણે ૬-૭ મહિનાથી કામ નથી કરી રહ્યો છતાં આસિત મોદી મને પગાર ચૂકવે છે

તારક મહેતા... ના કલાકારોને લોકડાઉનમાં પણ મળે છે પગાર

નવી દિલ્હીઃ કોરોનાના કારણે દેશના કેટલાય રાજયોમાં લોકડાઉન હોવાના કારણે લોકોના કામકાજ ઠપ્પ થઈ ગયા છે. ટેલીવીઝન ઈન્ડસ્ટ્રી પણ તેમાંથી બાકાત નથી, લગભગ બધા શોના શુટીંગ બંધ થઈ ગયા છે. શોના નિર્માતાઓ ભારે નુકસાન ભોગવી રહ્યા છે. આ પરિસ્થિતીમાં નિર્માતા અને એકટર્સ રાહ જોઈ રહ્યા છે કે કયારે શુટીંગ શરૂ થાય અને તેમની આવક શરૂ થાય. જો કે આવા વાતાવરણમાં એક શો એવો છે જેના કલાકારોને શુટીંગ વગર પણ પુરા પૈસા મળી રહ્યા છે.

સામાચાર છે કે સીરીયલ તારક મહેતા કા ઉલ્ટા ચશ્માના કલાકારોને નિર્માતા  આસીત મોદી ઘરે બેઠા પગાર ચૂકવે છે. તેઓ શુટીંગ કરે કે ના કરે, જયાં સુધી આ એકટરો શો સાથે જોડાયેલા છે. ત્યાં સુધી બધાની બેઝીક સેલરી બધાના ખાતામાં જમા કરી દેવામાં આવે છે. દરેક એકટરની તેના અનુભવના આધારે એક બેઝીક સેલરી નકકી કરાયેલી છે. તેના ઉપર તેઓ મહિનામાં જેટલા દિવસ શુટીંગ કરે તેના વધારાના પૈસા મળે છે.

આ શોમાં નટુ કાકાનું પાત્ર ભજવતા ઘનશ્યામ નાયક ગયા વર્ષે કેન્સરનો શિકાર થયા હતા. છેલ્લા લગભગ દોઢ વર્ષમાં તેમણે ફકત ૪-૫ એપિસોડ જ શુટ કર્યા છે. તેમ છતાં દર મહિને તેમના ખાતામાં પગાર જમા થઈ જાય છે. આ બાબતે ઘનશ્યામ નાયક જણાવે છે કે આસિત મોદી મારા માટે ભગવાન સ્વરૂપ છે. છેલ્લા ૬-૭ મહિનાથી હું કામ નથી કરી રહ્યો, પહેલા લોકડાઉનના લીધીે અને પછી મારી તબિયતના કારણે તેમ છતાં આસિતજીએ મને પુરેપુરૂ પેમેન્ટ આપ્યું છે.

(4:17 pm IST)