ફિલ્મ જગત
News of Friday, 12th July 2019

ગરિબ બાળકોને આઇઆઇટી માટે મફત શિક્ષણ આપનારા

આનંદ કુમારની બાયોપિક 'સુપર-૩૦' આજથી રિલીઝઃ રિતીક રોશનનો મુખ્ય રોલ

આજથી વધુ એક બાયોપિક રિલીઝ થઇ છે. ભારતના પ્રતિભાશાળીગણિતજ્ઞ આનંદ કુમારના જીવન પરથી બનેલી ફિલ્મ 'સુપર ૩૦' આજથી રિલીઝ થઇ છે. નિર્માતા નડિયાદવાલા ગ્રાન્ડસન એન્ટરટેઇનમેન્ટ, ફેન્ટમ ફિલ્મ્સ અને રિલાયન્સ ફિલ્મ તથા નિર્દેશક વિકાસ બહેલની આ ફિલ્મમાં સંગીત અજય-અતુલનું છે.

રિતીક રોશન, મૃણાલ ઠાકુર, પંકજ ત્રિપાઠી, નંદિશ સિંહ અને અમિત સાધની ફિલ્મમાં મુખ્ય ભૂમિકા છે. બોલીવૂડમાં અલગ-અલગ લોકોના જીવન પરથી બની રહેલી ફિલ્મોને પસંદ કરવામાં આવી રહી છે. આ એવી જ એક ફિલ્મ છે. ભારતના બિહાર રાજ્યમાં આનંદ કુમાર ખુબ જ ગરીબ પરિવારમાં જન્મ્યા હતાં. તેણે જોયું કે ગરીબ પરિવારના પ્રતિભાશાળી બાળકો ભારતીય પ્રોદ્યોગિક સંસ્થા (આઇઆઇટી)ની પ્રવેશ પરિક્ષા પાસ કરી શકતાં નથી, કારણ કે તેની પાસે ટ્યુશન ફી ચુકવવાના પૈસા નથી. એ પછી આનંદે સુપર-૩૦ નામની સંસ્થા ખોલી તેમાં ગરીબ પરિવારના બાળકોને વિનામુલ્યે શિક્ષણ આપવાનું શરૂ કર્યુ હતું. આગળ જતાં આનંદકુમાર દ્વારા ભણાવવામાં આવેલા છાત્રોની આઇઆઇટીમાં પસંદગી થવા માંડે છે અને તેને પ્રસિધ્ધી મળવા માંડે છે. આ ફિલ્મ આનંદના જીવનના સંઘર્ષ અને તેની સુપર-૩૦ સંસ્થાની સ્થાપના માટે આનંદને અનેક પડકારોનો સામનો કરવો પડ્યો હતો. તેની આ પ્રેરણાદાયી કહાની ફિલ્મમાં જોવા મળશે.

(10:13 am IST)