આર્મી લોયરના રોલમાં જેનિફર
એકતા કપૂરના ડિજિટલ સ્ટ્રીમિંગ પ્લેટ ફોર્મ અલ્ટ બાલાજી માટે વધુ એક વેબ સિરીઝનું શૂટિંગ પુરૂ થઇ ગયું છે અને પોસ્ટ પ્રોડકશનનું કામ શરૂ થયું છે. આ વેબ સિરીઝનું નામ 'કોડ-એમ' રખાયું છે. જેની કહાની ભારતીય આર્મીના બેકડ્રોપ પર આધારીત છે. ઇન્ડિયન આર્મીની લોયર મોનિકા મેહરા મિલિટરી એન્કાઉન્ટરના એક કેસના ઇન્વેસ્ટિગેશન દરમ્યાન કંઈક એવી માહિતી મેળવે છે જેના કારણે ઇન્ડિયન આર્મી હચમચી જાય એટલાં રહસ્યોનો ઘટસ્ફોટ થાય છે. આ મોનિકા મેહરાનું પાત્ર જાણીતી ટેલિવિઝન અભિનેત્રી જેનિફર વિન્ગેટ ભજવી રહી છે. તેની સાથે ઓફિસર અંગદના પાત્રમાં ઇન્સાઇડ એજ અને પોઇઝન સહિતની વેબ-સિરીઝમાં દેખાઈ ચૂકેલો તનુજ વીરવાણી છે. ૨૯ ડિસેમ્બરે રિલીઝ થનારી આ સિરીઝમાં અભિનેતા અને ડિરેકટર રજત કપૂર પણ ખાસ રોલમાં છે. આ ઉપરાંત મધુરિમા રાય અને અલેખ કપૂર પણ છે. જેનિફરની બેહદ-૨ નામની ટીવી સિરીયલ પણ રિલીઝ થવાની તૈયારીમાં છે. વેબ સિરીઝમાં જેનિફર આર્મી લોયરના રોલમાં કેવી ખીલે છે તે જાણવા રાહ જોવી પડશે.