ઋત્વિક રોશન સામે કંગના રનૌતના ચોંકાવનારા આક્ષેપોથી બોલિવૂડમાં હલચલ
મુંબઇઃ તનુશ્રી દત્તા અને નાના પાટેકરના પ્રકરણે બોલિવુડની અત્યાર સુધી છૂપી રહેલી જાતિય શોષણની અનેક ઘટનાઓને ઉજાગર કરી છે. #Metoo મૂવમેન્ટને કારણે ફેન્ટમ ફિલ્મસ જેવા પ્રોડક્શન હાઉસને તાળાં વાગી ગયા છે. વિકાસ બહલ, રજત કપૂર, આલોક નાથ, કૈલાષ ખેર તેમજ અન્ય લોકો તેની ઝપેટમાં અત્યાર સુધી આવી ચૂક્યા છે.
ફેન્ટમ ફિલ્મની એક્સ એમ્પ્લોઈ દ્વારા વિકાસ બહલે તેની સામે જોઈ હસ્તમૈથુન કર્યું હતું તેવો આરોપ મૂકાતા ચકચાર મચી ગઈ હતી. આલોક નાથ સામે પણ વિનિતા નંદા રેપના આરોપ લગાવી ચૂકી છે. તેવામાં હવે કંગના રનૌતે પણ તેની સુપરહિટ ફિલ્મ ક્વીનના ડિરેક્ટર સામે તેના વર્તનને લઈને આરોપ લગાવ્યા છે.
કંગનાએ રિતિક રોશન સામે પણ તેણે કડવા વેણ ઉચ્ચાર્યા છે. કંગના અને રિતિક વચ્ચે થયેલી મોટી બબાલથી સૌ કોઈ પરિચિત છે. મીડિયા સાથે વાત કરતા કંગનાએ કહ્યું હતું કે, વિકાસ બહલ વિશે જે થઈ રહ્યું છે તે બિલકુલ યોગ્ય છે. બોલિવુડમાંથી આ કચરો દૂર કરવા અને તેને મહિલાઓ માટે સુરક્ષિત જગ્યા બનાવવા આપણે ઘણું કરવાનું છે.
કંગનાએ કહ્યું હતું કે, એવા પણ પુરુષો હોય છે કે જે છોકરીઓ સાથે રિલેશન બનાવવા તેમને ખોટા પ્રોમિસ આપે છે. કંગનાએ પુરુષોના આ વલણને પણ એક પ્રકારની સતામણી જ ગણાવી હતી. તેણે એમ પણ કહ્યું હતું કે આવા લોકો સાથે કામ કરવું તેના કરતા તો કામ ન કરવું વધુ સારું.
રિતિક પર આડકતરો હુમલો કરતા કંગનાએ કહ્યું હતું કે, આવા લોકો પોતાની પત્નીઓને લોકોને બતાવવા માટે ટ્રોફીની જેમ રાખતા હોય છે, અને યંગ છોકરીઓની સાથે સંબંધ પણ રાખતા હોય છે. કંગનાના આ આરોપ સાથે જ હવે રિતિક રોશન પણ #Metooનો આરોપી બની ગયો છે, અને આવનારા દિવસોમાં આ બબા મોટી થાય તો નવાઈ નહીં.