ફિલ્મ જગત
News of Monday, 11th January 2021

'જુમાંજી ૪' માટે ડ્વેન જોન્સને રૂ. ૫૫૫ કરોડ માગ્યા

'જુમાંજી'ની ત્રીજી ફિલ્મે બોકસ પર ૮૦ કરોડ ડોલર જેટલી કમાણી કરી હતી

લોસ એન્જેલીસ,તા. ૧૧: 'જુમાંજી' સિરીઝ હોલીવુડની સૌથી વધુ કમાણી કરનાર ફ્રેન્ચાઇઝીઓમાંની એક તરીકે ગણાય છે. 'જુમાંજી' ફિલ્મ ૧૯૯૫માં (રોબિન વિલિયમ્સ) રિલીઝ થઇ હતી. ત્યારબાદ ડ્વેન જોન્સન અભિનીત 'જુમાંજી - વેલકમ ટૂ ધ જંગલ' (૨૦૧૭) અને 'જુમાંજીઃ ધ નેકસ્ટ લેવલ' (૨૦૧૯) ફિલ્મોએ બોકસ ઓફિસ પર જ્વલંત સફળતા હાંસલ કરી હતી. 'ધ નેકસ્ટ લેવલ' ફિલ્મે દુનિયાભરમાં ૭૯ કરોડ ૭૦ લાખ ડોલરની કમાણી કરી હતી. હવે દર્શકો-ચાહકો 'જુમાંજી'ની ચોથી આવૃતિની આતુરતાપૂર્વક રાહ જોઇ રહ્યા છે. નિર્માતાઓ પણ 'જુમાંજી ૪' બનાવવાની તૈયારીમાં લાગી પડ્યા છે. કહેવાય છે કે 'જુમાંજી ૪'માં ડો. સ્મોલડર બ્રેવસ્ટોનનું પાત્ર ભજવવા માટે જોન્સને મોટી રકમની ફી માંગી છે.

'એવેન્જર્સ : એન્ડગેમ' માં કામ કરવા માટે રોબર્ડ ડાઉની જુનિયરે મેળવેલી ૭ કરોડ ૫૦ લાખ ડોલર (રૂ.૫૫૦ કરોડ)ની ફી કરતાંય વધારે રકમ 'જુમાંજી ૪'નાં મુખ્ય પાત્ર માટે ડ્વેન જોન્સન માંગી રહ્યા છે. એ ૫૫૫ કરોડ રૂપિયા ફી માંગે છે. એમણે 'જુમાંજી'ના પાછલા બંને ભાગમાં કામ કરીને કુલ બે કરોડ ૩૫ લાખ ડોલરની ફી લીધી હતી. હવે ત્રીજી વાર અને ચોથી આવૃતિમાં કામ કરવા માટે ત્રણ ગણાથી પણ વધારે પૈસા માંગે છે. 'જુમાંજી'ની ત્રીજી ફિલ્મે બોકસ પર ૮૦ કરોડ ડોલર જેટલી કમાણી કરી હતી.

(10:08 am IST)