ફિલ્મ જગત
News of Tuesday, 10th December 2019

દિપિકા પાદુકોણની ફિલ્મ છપાકનું ટ્રેલર લોંચઃ એસિડ એટેક ‌પીડિતા લક્ષ્‍મી અગ્રવાલના જીવન આધારિત ફિલ્મ

મુંબઈ : દીપિકા પાદુકોણના ફેન્સની આતુરતાનો અંત આવ્યો છે. દીપિકાની ફિલ્મ ‘છપાક’ નું ટ્રેલર રિલીઝ થઈ ગયું છે. દીપિકાની આ ફિલ્મ પ્રોમિસિંગ લાગી રહી છે. દીપિકા આ ફિલ્મ થકી ફરી એકવાર દર્શકોનું દિલ જીતવા માટે તૈયાર થઈ ગઈ છે. આ ફિલ્મની કહાણી એસિડ અટેક પીડિતા લક્ષ્મી અગ્રવાલ ના જીવન પર આધારિત છે. દીપિકાના પાત્રનું નામ આ ફિલ્મમાં માલતી છે. માલતી પર એસિડ અટેક થયા બાદનો ઘટનાક્રમ દર્શાવવામાં આવ્યો છે. દીપિકાએ આ ફિલ્મમાં માલતીનું પાત્ર આત્મસાત કરી લીધું છે.

'છપાક'માં એક એસિડ હુમલાની પીડિતાના જીવનને રજૂ કરવામાં આવશે અને તે લોકો માટે તે એક પ્રેરણા છે જેણે આ પ્રકારની સ્થિતિનો સામનો કર્યો છે. મેઘના ગુલઝાર દ્વારા દિગ્દર્શિત આ ફિલ્મ 10 જાન્યુઆરી 2020ના રિલીઝ થશે. આજે આ ફિલ્મનું ટ્રેલર રિલીઝ કરવામાં આવ્યું છે.

ટ્રેલરમાં દીપિકા ઉપરાંત વિક્રાંત મેસ્સી પણ જોવા મળે છે. વિક્રાંતનો પણ ફિલ્મમાં દમદાર રોલ હશે તેવું ટ્રેલર પરથી લાગી રહ્યું છે. દીપિકાએ એક ઈન્ટરવ્યૂમાં જણાવ્યું હતું કે, આ રોલ તેણે અત્યાર સુધી નિભાવેલા પાત્રોમાં સૌથી કપરો છે. દીપિકાએ કહ્યું હતું કે, ‘આ ફિલ્મનું પાત્ર ભાવનાત્મક ધોરણે ભજવવું મુશ્કેલ રહ્યું કારણકે આ ફિલ્મ સર્વાઈવલથી વધુ વાત કરે છે. લક્ષ્મીના પાત્રને ન્યાય આપવા માટે ખૂબ મહેનત કરવી પડી છે.’ ‘

બોલિવૂડ લાઇફને મળેલી ખાસ જાણકારી પ્રમાણે દીપિકા 'છપાક' પછી ફિલ્મી પડદાથી દૂર થઈ જવાનું પ્લાનિંગ કરી રહી છે. દીપિકાએ ગયા વર્ષે જ લગ્ન કર્યા છે અને હવે તે પરિવારને પ્રાથમિકતા આપવા માગે છે. દીપિકા હવે પરિવારને વધારવાનું પ્લાનિંગ કરી રહી છે. મળતી માહિતી પ્રમાણે દીપિકા લગ્ન પછી ખુશ છે. હાલમાં રણવીર અને દીપિકાએ આ મામલે કોઈ નક્કર નિર્ણય નથી લીધો. હાલમાં તેઓ પોતાની પ્રોફેશનલ લાઇફમાં વ્યસ્ત છે અને આ કમિટમેન્ટ પુરું કર્યા પછી જ બંને આ મામલે નિર્ણય લેશે.

(5:44 pm IST)