અશ્વિની આયર તિવારીની ફિલ્મમાં કંગના રનૌત સાથે ચમકશે અલી ફઝલ
મુંબઈ:આગેવાન કલાકાર અલી ફઝલ નજીકના ભવિષ્યમાં અશ્વિની આયર તિવારીની ફિલ્મમાં કંગના રનૌત સાથે ચમકશે એવી માહિતી મળી હતી. જો કે હજુ અલીએ આ ફિલ્મ સાઇન કરી નથી પરંતુ એણે અશ્વિની સાથેની ચર્ચા દરમિયાન પોતાને આ સ્ક્રીપ્ટમાં રસ હોવાનું જણાવી દીધું હતું. આ ફિલ્મ દ્વારા કંગના પણ અશ્વિની સાથે પહેલીવાર કામ કરવાની છે. મોટે ભાગે નાયિકા પ્રધાન હોય એવી આ ફિલ્મ હશે એવું પણ જાણવા મળ્યું હતું. કંગના મોટે ભાગે એવી ફિલ્મો સ્વીકારતી રહી છે જેમાં સ્ત્રીપાત્ર વધુ પાવરફૂલ હોય. હાલ એ મણીકર્ણિકા ઃ ધ ક્વીન ઑફ ઝાંસી કરી રહી છે. સાથોસાથ રાજકુમાર રાવ સાથે એકતા કપૂરની મેન્ટલ હૈ ક્યા કરે છે. આ ફિલ્મનું શૂટિંગ તાજેતરમાં લંડનમાં પૂરું થયું હોવાની માહિતી મળી હતી. આ ફિલ્મ સ્પોર્ટલક્ષી છે અને દર વરસે યોજાતી કબડ્ડી ચેમ્પિયનશીપ સ્પર્ધાની કથા આ ફિલ્મમાં વણી લેવાશે. અલી ફિલ્મ સાઇન કરશેે તો એ કંગનાના પ્રિયપાત્રનો રોલ કરશે. કંગનાએ કબડ્ડીની રમત શીખવા સમજવા પંદર દિવસના વર્કશોપમાં જોડાઇ જવાનું નક્કી કર્યું હતું. અલી અત્યારે હેપ્પી ફિર ભાગ જાયેગી કરી રહ્યો છે જે હેપ્પી ભાગ જાયેગીની સિક્વલ છે.