ફિલ્મ જગત
News of Friday, 9th February 2018

અક્ષયની 'પેડમેન' પાકિસ્તાનમાં રિલીઝ નહીં થાય

મુંબઈ:મહિલાઓને સસ્તાં સેનિટરી નેપકીન્સ પૂરા પાડવાની વાત કરતી અક્ષય કુમારની  લેટેસ્ટ ફિલ્મ પેડમેનને પાકિસ્તાનમાં રજૂ નહીં કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હોવાની માહિતી મળી હતી. આ ફિલ્મ આજે નવમી ફેબુ્રઆરીએ ભારત સહિત દુનિયાભરમાં રજૂ થઇ હતી. પાકિસ્તાનની શાંતિનું નોબેલ પારિતોષિક મેળવનારી મલાલા યુસુફઝાઇએ જો કે આ ફિલ્મને મુક્ત કંઠે બિરદાવી હતી. પરંતુ રૃઢિચુસ્ત મુલ્લાઓથી ખદબદતા પાકિસ્તાનના સેન્સર બોર્ડના મહિલા સભ્યોનેજ એમ લાગ્યું હતું કે મહિલાઓના પિરિયડની વાત તો ખૂબ ખાનગી કહેવાય અને આ ફિલ્મમાં એની ખુલ્લેઆમ વાત કરાઇ છે માટે એને એનઓસી (નો ઓબ્જેક્શન સર્ટિફિકેટ ) આપી શકાય નહીં. દક્ષિણ ભારતની ગરીબ મહિલાઓ પિરિયડ દરમિયાન ગંદા કપડાનો ટુકડો વાપરીને જાતજાતની બીમારીનો ભોગ બનતી હતી એટલે અરુણાચલમ મુરુગનાથન નામના એક સાહસિકે સસ્તા અને ટકાઉ સેનિટરી નેપકીન્સ બનાવવાનું સાહસ કર્યું એની આ કથા છે. આ કથાને પોતાની આગવી ડાયરેક્શન શૈલીથી પંકાયેલા આર બાલ્કીએ નિર્દેશિત કરી છે. આ ફિલ્મમાં અક્ષય કુમાર, રાધિકા આપ્ટે અને સોનમ કપૂર ચમકી રહ્યા છે.  આ પહેલાં અક્ષય કુમારે ટોયલેટ એક પ્રેમકથા જેવી સામાજિક ઉદ્દેશ ધરાવતી ફિલ્મ કરી હતી. હવે જાહેર આરોગ્યને લગતી ફિલ્મ કરી છે જેને રજૂ થયા પહેલાંજ સારો આવકાર મળ્યો હતો. આ ફિલ્મ દ્વારા અક્ષય કુમારની અભિનેત્રી કૉલમિસ્ટ પત્ની ટ્વીન્કલ ખન્ના નિર્માત્રી બની હતી.
 

(5:11 pm IST)