ફિલ્મ જગત
News of Thursday, 9th December 2021

રાજસ્‍થાનના સવાઇ માધોપુરના કિલ્લામાં વિક્કી કૌશલ અને કેટરીના કૈફના હિન્‍દુ રીતરિવાઝ મુજબ શાહી લગ્નોત્‍સવઃ બહુ જ ઓછા મહેમાનોને આમંત્રણ

કાચની બનાવેલ રજવાડી ડોલીમાં કેટરીના માટે વ્‍યવસ્‍થા

મુંબઇઃ વિક્કી કૌશલ અને કૈટરીના કૈફ આજે હિન્દુ રીતરિવાજથી સાત ફેરા લેશે. આજ બાદથી આ કપલ હવે પતિ પત્ની તરીકે દુનિયાની સામે આવશે. આજે 9 ડિસેમ્બરે રાજસ્થાનના સવાઈ માધોપુરના કિલ્લામાં બંનેના લગ્ન થવાના છે. આ શાહી લગ્નમાં બહુ જ ઓછા મહેમાનોને આમંત્રિત કરાયા છે. પરંતુ લગ્ન સ્થળથી હજી સુધી એક પણ તસવીર બહાર આવી નથી. આવામાં ફેન્સ દુલ્હા અને દુલ્હનની એક ઝલક જોવા માટે આતુર છે. ત્યારે આજે સવાઈ માધોપુરમાં શુ થશે તેના પર મીડિયા અને ફેન્સની નજર છે.

હોટલમાં મહેમાનો આવવાની શરૂઆત થઈ ગઈ છે. મહેમાનો માટે ખાસ ફૂડનું આયોજન કરાયુ છે. કહેવાય છે કે, આજે બપોરે વિક્કી કૌશલની સહેરા બાંધવાની વિધિ યોજાશે, અને સાંજે બંનેના લગ્નની વિધિ સંપન્ન થશે. આ માટે મંડપ ખાસ રીતે ડેકોરેટ કરવામાં આવ્યો છે. બંનેના લગ્ન રજવાડી રીતે કરવામાં આવનાર છે. કૈટરીના અને વિક્કી કાચથી સજાવવામા આવેલ મંડપમાં સાત ફેરા લેવાના છે.

ખાસ વ્યવસ્થા

લગ્નમાં માત્ર ગણતરીના 120 લોકોને જ આમંત્રણ આપવામાં આવ્યુ છે, જેમાં મોટાભાગના નજીકના પરિવારજનો સામેલ છે. વિન્ટેજ કારમાં બેસીને વિકી જાનમાં આવશે. જાનૈયાનું સ્વાગત ગુલાબની પાંખડીઓથી કરવામાં આવશે. તો કૈટરીના કાચની બનાવેલી રજવાડી ડોલીમાં બેસીને પરણવા આવશે. ડોલી પર મિરર વર્ક કરવામાં આવ્યું છે.

મહેમાનોને પિરસાશે ગુજરાતી વાનગી

ખાસ વાત એ છે, લગ્નમાં ગુજરાતી તથા રાજસ્થાની વાનગીઓ પિરસવામાં આવશે. ગુજરાતના ઢોકળા, સમોસા અને કચોરી ખાસ રીતે હલદી ફંક્શનમાં રાખવામાં આવ્યા છે. આ ઉપરાંત અન્ય કેટલીક ગુજરાતી વાનગી પણ મહેમાનોને પિરસવામાં આવશે. તો રાજસ્થાનની ડિશ માવાની કચોરી અને ગૌંદ પાક પણ રાખવામા આવ્યો છે. તો મીઠાઈમાં ખાસ ડિશ પિરસવામા આવશે.

(4:20 pm IST)