ફિલ્મ જગત
News of Saturday, 9th March 2019

'બદલા'... અદ્ભૂત થ્રિલર ફિલ્મ : રહસ્ય - રોમાંચનો સંગમ : બીગ બી - તાપસી પન્નુનો જોરદાર અભિનય

સ્ક્રિપ્ટ - સ્ક્રીનપ્લે - બેકગ્રાઉન્ડ સ્કોર, ડાયરેકશન, એડીટીંગ બધુ જ મજેદાર

બોલીવુડની ફિલ્મોમાં બદલો લેવો એટલે મારધાડ અને લોહીની રેલ કાઢવી એ જ હોય છે. જોકે શાહરુખ ખાન દ્વારા પ્રોડ્યુસ કરવામાં આવેલી સુજોય ઘોષની 'બદલા'માં રિવેન્જને ખૂબ જ અદ્બુત રીતે દેખાડવામાં આવ્યો છે. ફિલ્મમાં અમિતાભ બચ્ચન અને તાપસી પન્નુ મુખ્ય પાત્રમાં છે. તેમણે અગાઉ 'પિંક'માં સાથે કામ કર્યું હતું. આ ફિલ્મમાં પણ તાપસી કલાયન્ટ અને અમિતાભ બચ્ચન વકીલના પાત્રમાં છે. જોકે 'પિંક'કરતાં આ સ્ટોરી એકદમ અલગ છે. સુજોય ઘોષ દ્વારા આ ફિલ્મને ખૂબ જ સારી રીતે રજૂ કરવામાં આવી છે. ફિલ્મનો ડાયલોગ છે કે 'બદલા લેના હર બાર સહી નહીં હોતા, લેકિન માફ કર દેના ભી હર બાર સહી નહીં હોતા.' કોણ માફ કરે છે અને કોણ બદલો લે છે એની આ એક રહસ્યમય સ્ટોરી છે.

ઓરિજિનલ ફિલ્મ

૨૦૧૭ના જાન્યુઆરીમાં સ્પેનમાં રિલીઝ થયેલી ફિલ્મ 'કોન્ટ્રેટિએમ્પો'એટલે કે 'ધ ઇન્વિઝિબલ ગેસ્ટ'ની આ ઓફિશ્યલ હિન્દી રીમેક છે. ઓરિજિનલ ફિલ્મની રીમેક અથવા તો એને અડેપ્ટ કેવી રીતે કરવી એનું કલાસિક ઉદાહરણ છે 'બદલા'. 'ધડક'હોય કે પછી 'ટેમ્પર'ની રીમેક 'સિમ્બા', તેઓ નામના બહાને બોકસ-ઓફિસ પર વકરો કરી લેતા હોય છે. જોકે ઓરિજિનલ ફિલ્મોની કહાણી અને સુંદરતા રીમેકમાં જોવા નથી મળતી. 'બદલા'માં તમને ઓરિજિનલ ફિલ્મની સુંદરતા, થ્રિલ બધું જ જોવા મળશે. હિન્દી દર્શકોને ધ્યાનમાં રાખીને આ ફિલ્મમાં પણ થોડાઘણા બદલાવ કરવામાં આવ્યા છે. ઓરિજિનલ ફિલ્મમાં જે રીતે વકીલની એન્ટ્રી કરવામાં આવે છે એ જ રીતે આ ફિલ્મમાં પણ કરવામાં આવી છે, પરંતુ થોડી સારી છે. ઓરિજિનલ ફિલ્મની શરૂઆતની ક્રેડિટમાં સિટીનો એરિયલ વ્યુ દેખાડવામાં આવ્યો છે. જોકે રીમેકમાં તમે સુજોય ઘોષ અને ટીમની ક્રીએટિવિટી જોઈ શકશો. 'બદલા'ની શરૂઆતની ક્રેડિટમાં ફિલ્મમાં જે પણ મહસવની ડીટેલ અથવા તો દૃશ્યનો સમાવેશ કરવામાં આવ્યા છે એ ખૂબ જ ક્રીએટિવ છે. આ ફિલ્મમાં મોટા ભાગની વસ્તુ અને દૃશ્ય એમનાં એમ રાખવામાં આવ્યાં છે અને એ જ એની સુંદરતા છે. સુજોય ઘોષે ફિલ્મની રિલીઝ પહેલાં જ કહ્યું હતું કે ઓરિજિનલ ફિલ્મમાં જે સુંદરતા હતી એ આ ફિલ્મમાં પણ એમની એમ જ રાખવામાં આવી છે.

સ્ટોરી ટાઇમ

આ ફિલ્મની સ્ટોરીની શરૂઆત એક મર્ડરથી થાય છે. તાપસી આ ફિલ્મમાં સકસેસફુલ બિઝનેસ વુમન નૈના સેઠીનું પાત્ર ભજવી રહી છે. અમિતાભ બચ્ચન વકીલ બાદલ સિંહનું પાત્ર ભજવી રહ્યા છે જેમણે તેમની ૪૦ વર્ષની કરીઅરમાં કયારેય એક પણ કેસ નથી હાર્યો. ફિલ્મની સ્ટોરી એવી છે કે નૈના એક હોટેલના ફલોર પર પડી હોય છે અને તેના બોયફ્રેન્ડ અજુર્ન જોસેફનું ખૂન થઈ ગયું હોય છે. હોટેલનો સ્ટાફ પોલીસને બોલાવે છે અને રૂમમાં તાપસી એકલી જ હોવાથી તેના પર ખૂનનો આરોપ આવે છે. તેણે ખૂન નથી કર્યું એની આ એક દિલચસ્પ સ્ટોરી છે. આ સ્ટોરીમાં ઘણા ટ્વિસ્ટ અને ટન્ર્સ જોવા મળશે. અંત સુધી કહેવું મુશ્કેલ છે કે ખૂન કોણે કર્યું અને એ પાછળનું કારણ શું હોય શકે. આ પાછળ ઘણીબધી થિયરીનો સમાવેશ કરવામાં આવે છે, પરંતુ સત્ય આખરે બહાર આવે ત્યારે એ શોકિંગ હોય છે. આ ફિલ્મની સ્ટોરીમાં અમિતાભ બચ્ચન પાસે ત્રણ કલાક હોય છે કોણ ખૂની છે અને શું ઘટના ઘટી હતી એ જાણવા માટે. આ ત્રણ કલાકના ટાઇમ સ્લોટની જગ્યાએ બે કલાક કરવામાં આવ્યું હોત તો વધુ સારું રહ્યું હોત. જોકે એનાથી ફિલ્મના થ્રિલને કોઈ અસર નથી થતી. આ ફિલ્મનો કલાઇમેકસ ખૂબ જ જોરદાર છે. હિન્દી ફિલ્મમાં કે અન્ય ભાષાની કોઈ પણ હિન્દી રીમેકમાં અત્યાર સુધી આવા કલાઇમેકસને દર્શાવવામાં નથી આવ્યો.

પર્ફોર્મન્સ-એ-બહાર

તાપસી અને અમિતાભ બચ્ચને ખૂબ જ અદ્બુત પર્ફોર્મન્સ આપ્યા છે. 'પિંક'માં વકીલનું પાત્ર ભજવ્યું હોવા છતાં અમિતાભ બચ્ચનનું આ પાત્ર એકદમ અલગ હતું. તેમની એકિટંગ એકદમ નેચરલ હતી. ઘણાં દૃશ્યમાં તેમણે પોતાના પર્ફોર્મન્સ દ્વારા ફિલ્મને પોતાના ખભા પર ઉઠાવી લીધી છે. તાપસી ખૂબ જ ટેલેન્ટેડ એકટ્રેસ છે અને આ પાત્ર માટે તે એકદમ યોગ્ય છે. ઓરિજિનલ ફિલ્મમાં જે પણ મહિલાનાં પાત્ર હતાં એ રીમેકમાં પુરુષને આપવામાં આવ્યાં છે અને પુરુષનાં પાત્ર માટે મહિલાને પસંદ કરવામાં આવી છે. આ જ કારણ છે કે તાપસી આ ફિલ્મમાં મુખ્ય રોલમાં હતી. તેણે પણ સ્ટોરીની ડિમાન્ડ અને થ્રિલને અનુરૂપ યોગ્ય પર્ફોર્મન્સ આપ્યો છે. જોકે કેટલીક જગ્યાએ તેનાં એકસપ્રેશન થોડાં  ફીકા લાગે છે (બની શકે કે બિઝનેસને પોતાનું પેશન માનતી હોવાથી તેને સ્ટ્રોન્ગ બતાવવા માટે એમ કર્યું હોય.) એકસ્ટ્રા મેરિટલ અફેર હોવાનું તેણે જે ગિલ્ટ દેખાડવાનું હતું એ તે યોગ્ય રીતે દેખાડી નથી શકી. આ ફિલ્મમાં સરપ્રાઇઝ પેકેજ અમિતા સિંહ છે. અમિતા સિંહ જેટલી પણ વાર સ્ક્રીન પર આવે છે ત્યારે તે છવાઈ જાય છે. તેના પતિ નર્મિલનું પાત્ર ભજવનાર તન્વીર ઘાનીનો પર્ફોર્મન્સ એટલો જ ખરાબ છે.

ફિલ્મી-દાસ્તાન

ફિલ્મની સ્ક્રિપ્ટ, સ્ક્રીનપ્લે, બેકગ્રાઉન્ડ સ્કોર, ડિરેકશન અને એડિટિંગ બધું જ ખૂબ જ સુંદર રીતે કરવામાં આવ્યું છે. ફિલ્મની સ્ક્રિપ્ટ એટલે કે ડાયલોગ હિન્દી ફિલ્મોના દર્શકોને ધ્યાનમાં રાખીને થોડા બદલવામાં આવ્યા છે. તેમ જ એમાં થોડું હ્યુમર પણ ઉમેરવામાં આવ્યું છે. બિગ બીના ઘણા ડાયલોગ ફની છે. તેમ જ તેમના દ્વારા 'મહાભારત'ના રેફરન્સનો જયાં પણ ઉપયોગ કરવામાં આવ્યો છે એ ખૂબ જ અદ્બુત છે. ભારતના દર્શકો માટે ખાસ આ રેફરન્સનો ઉપયોગ કરાયો છે જેથી તેઓ ફિલ્મ સાથે વધુ કનેકટ થઈ શકે.

આખરી સલામ

'બદલા'માં મોટા ભાગનાં દૃશ્યો ઓરિજિનલ ફિલ્મનાં જ રાખવામાં આવ્યાં છે. 'કહાની'અને 'પિંક'બાદ ફરી દર્શકો માટે આ એક અદ્ભૂત થ્રિલર ફિલ્મ છે. 'ધ ઇન્વિઝિબલ ગેસ્ટ'જોઈ હોય તો (આ લખનારે પણ જોઈ છે અને એમ છતાં હિન્દી ફિલ્મ એટલી જ રોમાંચક લાગી છે.) પણ આ ફિલ્મ જોવામાં તમને ખૂબ જ મજા આવશે.(૨૧.૨૩)

 

 

 

(3:29 pm IST)