ફિલ્મ જગત
News of Saturday, 8th December 2018

વિક્રમ મલ્હોત્રા બનાવશે 1971 ભારત-પાકના યુદ્ધ પર ફિલ્મ

મુંબઈ:ફિલ્મ સર્જક વિક્રમ મલ્હોત્રા ૧૯૭૧ના ભારત પાકિસ્તાન યુદ્ધ વિશે ફિલ્મ બનાવવાની યોજના ઘડી રહ્યા હોવાની માહિતી મળી હતી.આ યુદ્ધ વખતે કચ્છ જિલ્લાના ભુજ તાલુકાના માધાપર ગામની મહિલાઓએ ભારતીય લશ્કરને મદદ કરવા દિવસ રાત મહેનત કરીને એર સ્ટ્રીપ તૈયાર કરી આપી હતી એ ઘટનાને આ ફિલ્મમાં મહત્ત્વ આપવાની સર્જકની ઇચ્છા છે. આમ કચ્છી મહિલાઓના પરિશ્રમને બિરદાવવાની આ ફિલ્મમાં યોજના છે. ભારતીય લશ્કરમાં આ ઘટના પર્લ હાર્બર ઑફ ઇન્ડિયાના હુલામણા નામે જાણીતી છે.આ ફિલ્મને હાલ રનવે નામ આપવામાં આવ્યું છે. પાકિસ્તાની બોમ્બર વિમાનોએ જે કેટલીક એર સ્ટ્રીપ બોમ્બીંગ દ્વારા નષ્ટ કરી હતી એમાં માધાપરની એર સ્ટ્રીપનો પણ સમાવેશ થયો હતો. ભારતીય લશ્કર રાતોરાત આ એર સ્ટ્રીપ તૈયાર કરી શકે એવી સ્થિતિ નહોતી અને એર સ્ટ્રીપની અનિવાર્ય જરૃરિયાત હતી. માધાપર ગામના લોકોને આ વાતની જાણ થતાં પાકિસ્તાની બોમ્બર વિમાનોથી ડર્યા વિના કચ્છી મહિલાઓએ યુદ્ધ ધોરણે કામ કરીને માત્ર બોતેર કલાકમાં આ એર સ્ટ્રીપ ફરી તૈયાર કરી આપી હતી. ત્રણસો ગ્રામજનો જેમાં મોટા ભાગની મહિલાઓ હતી એ તરત કામે લાગી ગઇ હતી અને યુદ્ધ ધોરણે એર સ્ટ્રીપ તૈયાર કરીને નિરાંતનો દમ લીધો હતો.

(4:58 pm IST)