ફિલ્મ જગત
News of Sunday, 8th September 2019

આશા ભોંસલેના જન્મદિવસે તમામ ચાહકો દ્વારા શુભેચ્છા

છ દશકથી આશા ભોંસલેનો જાદુ અકબંધ : આશા ભોંસલે દ્વારા ૨૦થી વધુ ભારતીય અને વિદેશી ભાષામાં ગીતો રજૂ કરાયા છે : લોકપ્રિયતા હજુ અકબંધ

મુંબઈ, તા. ૮ : આશા ભોંસલેના જન્મદિવસે તેમના કરોડો ચાહકોએ આજે તેમને શુભેચ્છા આપી હતી. આશા ભોંસલે હિન્દી સિનેમાની સાથે સાથે દેશની ટોચની ગાયિકાઓ પૈકી એક તરીકે રહ્યા છે. હિન્દી સિનેમામાં તેમનું યોગદાન અભૂતપૂર્વ રહ્યું છે. આશા ભોંસલે ૧૧ હજારથી પણ વધારે ગીતો ગાયા છે. છ દશકથી પણ વધુ સમયથી આશા ભોંસલે એક ગાયક તરીકે રહ્યા છે. તેમના અવાજના કારણે કરોડો ચાહકો રહેલા છે. લતા મંગેશકરના બહેન આશા ભોંસલે હિન્દી સિનેમામાં પોતાની ગાયિકી માટે ખુબ લોકપ્રિયતા ધરાવે છે. ૧૯૪૩માં આશા ભોંસલેએ પોતાની કેરિયર શરૂ કરી હતી અને છ દશકથી પણ વધુ સમયથી સક્રિય રહ્યા છે. હજારો બોલીવુડની ફિલ્મોમાં ગીત ગાઈ ચુક્યા છે. અનેક આલ્બમોમાં પણ કામ કર્યું છે. ભારત અને વિદેશમાં મોટી સંખ્યામાં સોલો કોન્સર્ટ પણ કર્યા છે. આશા ભોંસલેનું કહેવું છે કે, તે ૧૨૦૦૦થી પણ વધુ ગીતો ગાઈ ચુકી છે. ૨૦૧૧માં ગીનીશ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ દ્વારા પણ કબૂલાત કરવામાં આવી હતી કે, સંગીતના ઇતિહાસમાં આશા ભોંસલે સૌથી વધારે ગીતો રજૂ કરી ચુકી છે. ભારત સરકારે ૨૦૦૦માં દાદા સાહેબ ફાલ્કે એવોર્ડ અને ૨૦૦૮માં પદ્મવિભૂષણથી તેમને સન્માનિત કર્યા હતા. પોતાના વિશેષ અવાજના કારણે આશા ભોંસલેને દરેક પ્રકારના ગીતો ગાવવાની તક મળી છે.

           મ્યુઝિક, પોપ, ગઝલ, ભજન પરંપરાગત ભારતીય ક્લાસિકલ સંગીત, સાંસ્કૃતિક ગીતો, કવ્વાલી અને રવિન્દ્ર સંગીત સહિત તમામ પ્રકારના ગીતો ગાઈને આશા ભોંસલેએ પોતાની કુશળતા દર્શાવી છે. હિન્દી ઉપરાંત આશા ભોંસલેએ ૨૦થી વધુ ભારતીય અને વિદેશી ભાષામાં ગીતો ગાયા છે. ૨૦૧૩માં આશા ભોંસલેએ ફિલ્મ માઈમાં અભિનેત્રી તરીકે ડેબ્યુ કરીને પણ પોતાની કામગીરીની છાપ છોડી હતી. ૧૯૬૦ના ગાળામાં ગીતા દત્ત, શમશાદ બેગમ અને લતા મંગેશકર જેવી ગાયિકાઓની ઉપસ્થિતિમાં આશા ભોંસલેએ પણ અલગ જગ્યા બનાવી હતી. બોલીવુડમાં આશા ભોંસલેની એક અલગ ઓળખ ઉભી થઇ છે. બિમલ રોય દ્વારા ૧૯૫૩માં આશાને તક આપી હતી. આ પહેલા આશાને કેટલીક નિષ્ફળતાઓ પણ મળી હતી. ઓપી નય્યરે આશા ભોંસલેનો ઉપયોગ સૌથી સારી રીતે કર્યો હતો. ઓપી નય્યરે સીઆઈડી ફિલ્મ સાથે આશાને બ્રેક આપ્યા બાદ તમામ ફિલ્મોમાં તેમની પાસેથી જ તમામ ફિલ્મોમાં ગીતોને પ્રાથમિકતા આપી હતી. ત્યારબાદથી આશા ભોંસલેએ પાછળ વળીને જોયુ ન હતું. આરડી બર્મને આશા ભોંસલેએ જોરદાર જોડી જમાવી હતી. તીસરી મંજિલ ફિલ્મમાં આશાને ખુબ લોકપ્રિયતા મળી હતી.

(7:58 pm IST)