ફિલ્મ જગત
News of Friday, 8th March 2019

નસીરુદ્દીન શાહની ૧૯૮૦ના દાયકાની હિટ ફિલ્મ આલ્બર્ટ પિન્ટો કો ગુસ્સા ક્યૂં આતા હૈની રિમેક તૈયારી શરૂ

મુંબઈ: વિશિષ્ટ અભિનય દ્વારા પંકાતા હાલ સિનિયર અભિનેતા નસીરુદ્દીન શાહની ૧૯૮૦ના દાયકાની હિટ ફિલ્મ આલ્બર્ટ પિન્ટો કો ગુસ્સા ક્યૂં આતા હૈની રિમેક રજૂ થવાની તૈયારી શરૃ થઇ હોવાની જાણકારી મળી હતી.આ રિમેકમાં માનવ કૌલ અને નંદિતા ઠાકુરે મુખ્ય રોલ કર્યા છે. સૈયદ અખ્તર મિર્ઝાની મૂળ ફિલ્મે સારો એવો પ્રતિસાદ સર્જ્યો હતો. એમાં અભિનયના ધુરંધર ગણાતા નસીરુદ્દીન ઉપરાંત શબાના આઝમી અને સ્મિતા પાટિલ અને ઓમ પુરીએ મુખ્ય રોલ કર્યા હતા. આ ચારમાંના બે કલાકાર સ્મિતા પાટિલ અને ઓમ પુરી હાલ હયાત નથી.મૂળ ફિલ્મમાં એક એવા ખ્રિસ્તી યુવાનની વાત હતી જે સતત પોતાના સાથીઓ પર ગુસ્સો થતો હોય છે. એ માને છે કે સાવ નજીવી વાતે એના સાથીદારો હડતાળ પર જાય છે જે બરાબર નથી. જો કે હકીકત સમજાયા પછી એનો ગુસ્સો શોષણખોર મૂડીવાદીઓ તરફ વળી જાય છે એવો એનો અંત હતો.સૈયદ અખ્તર મિર્ઝાએ પોતે એની સ્ક્રીપ્ટ તૈયાર કરીને ડાયરેક્શનની જવાબદારી પણ અદા કરી હતી.રિમેકમાં સૌરભ શુક્લાએ પણ એક મહત્ત્વનો રોલ કર્યો છે.રિમેકના ડાયરેક્ટર સૌમિત્ર રાનડેના પ્રવક્તાએ કહ્યું કે અમે અમારી આ ફિલ્મ આવતા મહિનાની ૧૨મીએ (એપ્રલની ૧૨મીએ ) રજૂ કરવાનાં છીએ. રિમેકની સ્ક્રીપ્ટ પણ સૌમિત્ર રાનડેએ તૈયાર કરી હતી.નસીરુદ્દીનની ફિલ્મ કલ્ટ ફિલ્મ ગણાઇ હતી અને એમાં નસીરનો રોલ ખૂબ યાદગાર બન્યો હતો. 

(4:51 pm IST)