ફિલ્મ જગત
News of Friday, 7th December 2018

બે ફિલ્મો 'કેદારનાથ' અને 'રંગીલા રાજા' રિલીઝ

આજથી બે ફિલ્મો 'કેદારનાથ' અને 'રંગીલા રાજા' રિલીઝ થઇ છે.

 

નિર્માતા રોની સ્ક્રૂવાલા, પ્રજ્ઞા કપૂર, અભિષેક નાયર, અભિષેક કપૂર અને નિર્દેશક અભિષેક કપૂરની ફિલ્મ 'કેદારનાથ'માં સંગીત   અમિત-ત્રિવેદી અને હિતેષ સોનીકનું છે. ફિલ્મમાં સુશાંતસિંહ રાજપૂત, સારા અલી ખાન, નિતીશ ભારદ્વાજ, અલ્કા અમીન, સોનાલી સચદેવ, પૂજા ગોેર અને નિશાંત દહિયાની મુખ્ય ભૂમિકા છે. સુશાંતે ફિલ્મમાં મુસ્લિમ યુવાન મન્સુરનું પાત્ર ભજવ્યું છે. જે એક પિઠ્ઠુ તરીકે એટલે કે યાત્રાળુઓને પીઠ પર ઉંચકીને મંજીલ સુધી પહોંચાડવાનું કામ કરે છે. સારા અલી ખાન મુક્કુ નામની હિન્દુ યુવતિના રોલમાં છે.

સૈફ અલી ખાન અને અમૃતા સિંઘની દિકરી સારા આ ફિલ્મથી બોલીવૂડમાં કારકિર્દી શરૂ કરી રહી છે. ૨૦૧૩માં કેદારનાથમાં આવેલા વિનાશક પૂરની કહાનીને એક પ્રેમ કહાની સાથે જોડીને આ ફિલ્મ બનાવાઇ છે. આ ઘટનાને મોટા પરદા પર જોવી સંવેદનશીલ બની રહેશે. સારા એવી છોકરીના રોલમાં છે જે કેદારનાથની યાત્રામાં આવે છે અને પીઠ્ઠુનું કામ કરતાં સુશાંતના પ્રેમમાં પડી જાય છે. ફિલ્મના ટ્રેલરમાં સારા અને સુશાંતની જોડી જબરદસ્ત લાગી રહી છે. તો બીજી તરફ કેટલાક લોકોએ હિન્દુ યુવતિ અને મુસ્લિમ યુવાનની લવસ્ટોરી હોવાને કારણે ફિલ્મ સામે વિરોધનો મોરચો પણ ખોલ્યો છે. ફિલ્મમાં વીએફએકસનો ખુબ ઉપયોગ કરવામાં આવ્યો છે.

કહાની જોઇએ તો પૈસાદાર પરિવારની દિકરી મુકુ (સારા) ઉત્તરાખંડના પહાડોમાં સ્થિત કેદારનાથ ભગવાનની તિર્થ યાત્રા કરવા જાય છે. જ્યાં તેની મુલાકાત મન્સુર (સુશાંતસિંહ) સાથે થાય છે. તે વિનમ્ર મુસ્લિમ યુવાન છે. બંને એકબીજાના પ્રેમમાં પડી જાય છે અને મન્સુર મુકુનો ગાઇડ બની જાય છે. યાત્રામાં બંને આગળ વધતા જાય છે. પરંતુ પરિવારને આ સંબંધ માન્ય નથી.  ત્યાં અચાનક જોરદાર વરસાદ શરૂ થઇ જાય છે અને ભયાનક પુર આવી જાય છે. જેમાં ઘણું બધુ તણાઇ જાય છે. આ વખતે આ બંને પાસે જીવતા રહેવા માટે માત્ર પ્રેમનો જ સહારો હોય છે. અંતે શું થાય છે તે જાણવા ફિલ્મ જોવી પડશે.

બીજી ફિલ્મ 'રંગીલા રાજા'ના નિર્માતા  પહલાજ નિહલાની અને નિર્દેશક સિકંદર ભારતી છે. ફિલ્માં સંગીત ઇશ્વર કુમારનું છે. ગોવિંદા, મિશિકા ચોૈરસીયા, દિગાંગના સૂર્યવંશી, અનુપમા અગ્નિહોત્રી, શકિત કપૂર, પ્રેમ ચોપડા, ગોવિંદ નામદેવ સહિતના કલાકારો છે.

ફિલ્મની કહાની રાજસ્થાનમાં રહેતાં બે ભાઇઓ વિજેન્દ્ર પ્રતાપસિંહ (ગોવિંદા) અને અજય પ્રતાપસિંહ (ગોવિંદા)ની છે. એટલે કે ગોવિંદા ડબલ રોલમાં છે. બંને ભાઇઓની જિંદગી જીવવાની રીત અલગ છે. વિજેન્દ્ર બિઝનેસમેન છે તો અજય યોગી છે. બંને ભાઇઓ પોતાની જિંદગીમાં મસ્ત છે. પણ સયમ અચાનક બદલાય છે અને એવી સ્થિતિ ઉભી થાય છે કે વિજેન્દ્ર તેમાં ફસાઇ જાય છે. આ વાતની જાણ નાના ભાઇ અજયને થતાં જ તે મોટા ભાઇની જિંદગી ફરીથી પાટે ચડાવવા માટે જવાબદારી ઉઠાવે છે. ગોવિંદાએ આ પહેલા પણ કમબેક કરવા એક ફિલ્મ કરી હતી. પરંતુ એ ફિલ્મ કયારે આવીને જતી રહી તેની પણ ખબર પડી નહોતી. હવે આ ફિલ્મની હાલત શું થાય છે તે બે-ત્રણ દિવસમાં ખબર પડી જશે.

(10:28 am IST)