મિર્જાપુરમાં અલી ફઝલે નામ બદલ્યું
મુંબઈ:ઉત્તર પ્રદેશનાં પવિત્ર મનાતાં બે શહેરો બનારસ અને લખનઉમાં પોતાની ટીવી સિરિયલ મિર્ઝાપુરના શૂટિંગ માટે જવા અગાઉ અભિનેતા અલી ફઝલે પોતાનું નામ બદલવું પડયું હોવાની માહિતી મળી હતી.અલીએ સોશ્યલ મિડિયા પર લખ્યું હતું કે હું અભિમાન કે ગૌરવથી નહીં પણ નમ્રતાથી કહું છું કે આ સંવેદનશીલ વિસ્તારોમાં જવા અગાઉ મારે મારું નામ બદલવાની ફરજ પડી હતી. આ એક ડરામણો અનુભવ હતો. બહુ સાવચેતીથી કામ કરવાનું હતું. બીજા કોઇને હું આવું કરવાની સલાહ નહીં આપું. હું ફક્ત એટલું કહીશ કે અભિનય કરો પરંતુ મેથડને ભૂલી જાઓ...અલીએ આ સિરિયલમાં ગુડ્ડુ પંડિત નામના ગેંગસ્ટરનો રોલ કરવાનો હતો જે ડ્રગ અને શસ્ત્રોની ગેરદાયદે હેરફેર માટે બદનામ વિસ્તારમાં પોતાનો સિક્કો જમાવવા ઉત્સુક છે.અલી વાસ્તવમાં ગુંડા જેવો લાગે એ માટે સર્જકોએ મહિનાઓ અગાઉથી અલીના વ્યક્તિત્વમાં કેટલાક ફેરફારો કરાવડાવ્યા હતા. અલીએ એ માટે સખ્ખત મહેનત પણ કરી હતી.પોતાના સ્ટંટને વાસ્તવિક બનાવવા અલીએ બનારસ, જૂની દિલ્હી અને લખનઉની કેટલીક નાઇટ ક્લબો અને અંધારી આલમ માટે મશહૂર વિસ્તારોની મુલાકાત પણ લીધી હતી અને જોરદાર તાલીમ દ્વારા તૈયાર થયો હતો. એણે કહ્યું કે મને બનારસમાં અકસ્માતે અંધારી આલમના કેટલાક લોકોની મુલાકાત થઇ ગઇ હતી એટલે મારા પાત્રની તૈયારીમાં મને જોરદાર મદદ મળી ગઇ હતી.