ફિલ્મ જગત
News of Sunday, 7th March 2021

ઓપન લેટરમાં જવાબ આપ્યો

દત્તક લીધેલા બાળકોને ભાનુશાળીએ તરછોડી દીધા?

માહી અને જયને તેમની બાયોલોજિકલ ચાઈલ્ડ તારા સાથે વધુ સમય પસાર કરવા માટે પક્ષપાતી કહેવામાં આવે છે

મુંબઈ,તા.7 : માહી વિજ અને જય ભાનુશાળીએ તેવા લોકો માટે એક ઓપન લેટર લખ્યો છે, જેઓ અવારનવાર તેમના દત્તક બાળકો વિશે સવાલ કરે છે અને તેઓ બાળકોના પર્ફેક્ટ પાલક માતા-પિતા ન બની શક્યા હોવાનો આરોપ લગાવે છે. આ સિવાય માહી અને જયને તેમની બાયોલોજિકલ ચાઈલ્ડ તારા સાથે વધુ સમય પસાર કરવા માટે 'પક્ષપાતી' પણ કહેવામાં આવે છે. ઓપન લેટરમાં લખ્યું છે કે, તમારામાંથી ઘણા લોકો સવાલ કરી રહ્યા છે, તમે લોકો ઘણું ધારી રહ્યા છો અને તમે લોકો કંઈ પણ લખી રહ્યા છે. તે યોગ્ય નથી! હા અમે માતા-પિતા છીએ, પાલક માતા-પિતા! તારા અમારા જીવનમાં સુંદર આશીર્વાદ બનીને આવી છે પરંતુ તેનો અર્થ જરાય એ નથી કે ખુશી અને રાજવીર પ્રત્યેની અમારી લાગણીઓ બદલાઈ ગઈ છે. જ્યારે ખુશી અમારા જીવનમાં આવી ત્યારે અમે માતા-પિતા બન્યા પરંતુ અમે તે વાત પણ જાણીએ છીએ કે નિર્ણય અને પહેલો હક તેના માતા-પિતાનો છે. ખુશી અને રાજવીરની ગેરહાજરી વિશે સ્પષ્ટતા કરતાં માહી અને જયે લખ્યું છે કે, તેઓ હંમેશા ઈચ્છતા હતા કે બાળકો મુંબઈમાં સમય વિતાવે પરંતુ આખરે તેઓ તેમના વતન પાછા જાય અને તેમના પરિવારના બાકીના સભ્યો તેમજ દાદા-દાદી સાથે સમય પસાર કરે. અમને લાગે છે કે, બાળકો માટે શું સારું છે તે અંગે તેમના માતા-પિતા કરતાં વધારે કોઈ જાણતું નથી. તેથી, આજે જે લોકો સવાલ પૂછી રહ્યા છે કે તેઓ કેમ અમારી સાથે જોવા મળતા નથી અને અમે તેમને તરછોડી દીધા છે. મહેરબાની કરીને તેમ ન કરો. તેનાથી અમને દુઃખ થાય છે અને જ્યારે અમારા બાળકો મોટા થશે ત્યારે તેમને પણ દુઃખ થશે. અમારા માટે અમે ત્રણેય બાળકોને સમાન પ્રેમ કરીએ છીએ. પરંતુ બે તેમના વતનમાં છે અને અમારા તેઓ કિંમતી છે. વીડિયો કોલ અને સતત મેસેજ અમને તેમનાથી નજીક રાખે છે. આ એક નિર્ણય છે અને તેમાં આપણામાંથી કોઈને પણ દખલગીરી કરવાનો હક નથી. બાળકો આવતા રહેશે અને તેમની પાસે જીવનભર માટે બે ઘર છે. એક તેમના વતનમાં અને એક અમારી પાસે. દિવાળી સહિતના દરેક તહેવારો અને ખુશીનો બર્થ ડે પણ અમે સાથે ઉજવીએ છીએ. પ્રેમ બદલાતો નથી અને તે હંમેશા વધતો રહે છે, તેમ કપલે ઉમેર્યું છે. તેણે ઓપન લેટરના અંતમાં દરેકને શાંતિ જાળવવાની વિનંતી કરી છે. અમે આશા રાખીએ છીએ કે તમારા બધા પ્રશ્નો અને ધારણા હવે રોકાશે. કૃપા કરીને અમારા બાળકોને આશીર્વાદ આપો. તેમને શુભેચ્છા પાઠવો. કારણ કે, અમને સકારાત્મકતા અને સારા કર્મ જોઈએ છે.

(4:10 pm IST)