સ્વ.શ્રીદેવીની ડોક્યુમેન્ટરી બનાવશે પતિ બોની
મુંબઇ:ગયા પખવાડિયે અકસ્માત અને અકાળ અવસાન પામેલી પ્રતિષ્ઠિત અભિનેત્રી શ્રીદેવીની એક ડોક્યુમેન્ટરી બનાવવા સદ્ગતના પતિ અને ટોચના ફિલ્મ સર્જક બોની કપૂર અને ઇન્ટરનેશનલ ખ્યાતનામ નિર્દેશક શેખર કપૂરે હાથ મિલાવ્યા હોવાની જાણકારી મળી હતી. શેખરે અનિલ કપૂર અને શ્રીદેવીને ચમકાવતી સુપરહિટ ફિલ્મ મિસ્ટર ઇન્ડિયાનું ડાયરેક્શન કર્યું હતું. ત્યારથી એને શ્રીદેવી તેમજ બોની કપૂર સાથે ઘર જેવા આત્મીય સંબંધો હતા. એટલે બોનીએ શેખરને જ આ કામ સોંપવાનો નિર્ણય કર્યો હોય એવું બની શકે. બોનીની નિકટનાં સૂત્રોએ કહ્યંુ કે આ ડોક્યુમેન્ટરી અગાઉ કોઇ કલાકારની ન બની હોય એવી એક્સક્લૂસીવ બનાવવાની બંનેની ઇચ્છા છે. એમાં શ્રીદેવીની અંગત બાબતો ઉપરાંત એની ફિલ્મ કારકિર્દી, એનું પારિવારિક જીવન, એની ફ્રેન્ડ્સ, એના ગમા અણગમા વગેરેને સમાવી લેવાની બોનીની ઇચ્છા છે. શ્રીદેવીનાં મરણ વિશે જે કેટલાક જૂઠ્ઠાણાં ફેલાયાં તેથી બોની ખૂબ અપસેટ છે અને એ આ ડોક્યુમેન્ટરી દ્વારા શ્રીદેવીના ચાહકો સુધી સત્યને પહોંચાડવા માગે છે એમ પણ આ સૂત્રે કહ્યું હતું. એ બંનેનું લગ્નજીવન ખૂબ સુખી હતું અને બંને વચ્ચે ગજબનો મનમેળ હતો એટલે લોકમાનસમાંથી શંકા દૂર થાય એ સ્વાભાવિક ગણાય.