ઇરફાન ખાન પછી દીપિકાના ફેન્સ માટે માઠા સમાચાર
ડોકટરે આપી આરામ કરવાની સલાહ
મુંબઇ તા. ૭ : દીપિકા પાદુકોણના ફેન્સ માટે ખરાબ સમાચાર છે. દીપિકા આવતા ૩-૪ મહિના સુધી કામ નહીં કરી શકે. આ કારણથી તેની અપકમિંગ ફિલ્મ્સ રૂપેરી પડદા પર આવવામાં વાર લાગશે. દીપિકા લાંબા સમયથી એક પછી એક ફિલ્મ્સ કરે છે. તાજેતરમાં જ 'પદ્માવત'માં તેનું પર્ફોર્મન્સ લાજવાબ હતું અને ઇન્ડસ્ટ્રીના દરેક વ્યકિતએ વખાણ્યું પણ હતું.
રિપોર્ટ્સ અનુસાર દીપિકાને પીઠમાં ખૂબ જ દુખાવો થઇ રહ્યો છે. જેથી ડોકટરે તેને ૩થી ૪ મહિના આરામ કરવાની સલાહ આપી છે. દીપિકા વિશાલ ભારદ્વાજ સાથે અપકમિંગ ફિલ્મમાં જોવા મળશે. આ ફિલ્મમાં દીપિકા પાદુકોણ સાથે ઇરફાન ખાન કામ કરશે. નોંધનીય છે કે તાજેતરમાં જ ઇરફાન ખાને પણ ટ્વિટ કરીને પોતાની બીમારી વિશે જણાવ્યું હતું.
આ પહેલા ઇરફાન ખાન અને દીપિકા પાદુકોણની જોડી 'પીકૂ'માં જોવા મળી હતી. 'પીકૂ'માં આ બન્નેનો દમદાર અભિનય જોવા મળ્યો હતો. ફેન્સને આ ફિલ્મ ખૂબ જ પસંદ આવી હતી. હવે ફેન્સ ફરી આ જોડીને પડદા પર જોવા માટે આતુર છે.
આ બન્ને સ્ટાર્સની નાદૂરસ્ત તબીયતના કારણે ફેન્સને આ જોડી પડદા પર જોવા માટે હજુ રાહ જોવી પડશે. ડિરેકટર વિશાલ ભારદ્વાજે કહ્યું છે કે ફિલ્મનું શૂટિંગ શરૂ કરતાં પહેલા તેમણે પણ જણાવ્યું હતું કે તેઓ ઇચ્છે છે કે બન્ને સ્ટાર્સની તબીયત સારી થઇ જાય.(૨૧.૧૩)