ઇન્ટેલિજન્સ ઑફિસરના રોલમાં નજરે પડશે યામી ગૌતમ
મુંબઇ:અભિનેત્રી યામી ગૌતમ એની આગામી ફિલ્મ ઉરી- ધ સર્જિકલ સ્ટ્રાઇકમાં લશ્કરી ઇન્ટેલિજન્સ ઑફિસરના રોલમાં ચમકી રહી હોવાની જાણકારી મળી હતી.પાકિસ્તાની લશ્કર પ્રેરિત આતંકવાદીઓએ ૨૦૧૬ના સપ્ટેંબરમાં કશ્મીરના ઉરી વિસ્તારમાં રાત્રે આરામ કરી રહેલા ભારતીય લશ્કરા જવાનો પર અણધાર્યો હુમલો કરીને તેમની ક્રૂર હત્યા કરી હતી. એના જવાબ રૃપે ભારતીય લશ્કરે પાકિસ્તની કબજા હેઠળા કશ્મીરમાં ચાલી રહેલા આતંકવાદી તાલીમ શિબિરો પર સર્જિકલ સ્ટ્રાઇક કરીને ઓગણચાલીસ શિબિરોનો કચ્ચરઘાણ કાઢી નાખ્યો હતો. એ વિષયની કથા પર આધારિત ફિલ્મ ઉરી- ધ સર્જિકલ સ્ટ્રાઇક રોની સ્ક્રૂવાલા પોતાના બેનર હેઠળ બનાવી રહ્યા છે. આક્રોશ જેવી ફિલ્મના સહલેખક આદિત્ય ધર એના ડાયરેક્ટર છે અને વીકી કૌશલ એમાં મુખ્ય રોલ કરી રહ્યો છે. ડાયરેક્ટરના સૂચનથી યામીએ પોતાના લાંબા વાળ કાપી નાખ્યા હતા. જાસૂસી જેવા કામમાં લાંબા વાળ વધુ જોખમી પુરવાર થઇ શકે એવી ડાયરેક્ટરની સૂચના હતી એેટલે યામીએ વાળ ટૂંકા કરાવી નાખ્યા હતા. વીકી અને યામી ઉપરાંત આ ફિલ્મમાં મોહિત રૈના અને પરેશ રાવલ પણ ચમકી રહ્યા છે. કીર્તિ કુલ્હારીનો પણ એક મહત્ત્વનો રોલ છે.આ ફિલ્મ ૨૦૧૯ના જાન્યુઆરીમાં રજૂ કરવાની રોનીની યોજના છે.