ફિલ્મ જગત
News of Tuesday, 6th November 2018

સોનુ કે ટીટૂ કી સ્વીટીને પછાડશે બધાઇ હો

અજય દેવગનની રેડના બિઝનેસને પાર કર્યા બાદ ગઇ કાલે અક્ષયકુમારની ગો૯ડને પણ પાછળ છોડી હતી

મુંબઇ તા.૬: આયુષ્યમાન ખુરાનાની 'બધાઇ હો' બહુ જલ્દી 'સોનુ કે ટીટૂ કી સ્વીટી'નો લાઇફટાઇમ બિઝનેસ પાર કરશે એવું લાગી રહ્યું છે. ૧૮ ઓકટોબરે રિલીઝ થયેલી આ ફિલ્મ બોકસ-ઓફિસ પર ૨૦૧૮માં સૌથી વધુ નફો કરનારી ફિલ્મોમાં સામેલ થઇ ગઇ છે તેમજ આ ફિલ્મ ૨૦૧૮ની સોથી વધુ બિઝનેસ કરનારી ફિલ્મોમાં આઠમાં ક્રમે પણ આવી ગઇ છે. અજય દેવગનની 'રેડ'ના ૧૦૩.૦૭ કરોડ રૂપિયાના બિઝનેસના આંકડાને પાર કરીને આ ફિલ્મે ગઇકાલે અક્ષયકુમારની 'ગોલ્ડ'ના બિઝનેસને પણ પાર કર્યો હતો. 'ગોલ્ડ'નો લાઇફટાઇમ બિઝનેસ ૧૦૪.૭૨ છે અને 'બધાઇ હો'એ રવિવાર સુધીના બિઝનેસમાં ૧૦૪ કરોડ રૂપિયાનો બિઝનેસ કર્યો હતો. આ ફિલ્મે ગઇ કાલે ૭૨ લાખ કરતાં વધુનો બિઝનેસ કર્યો હતો, પરંતુ એ જાહેર કરવામાં નથી આવ્યું. આ ફિલ્મે ૧૮ દિવસમાં ટોટલ ૧૦૪ કરોડનો વકરો કર્યો છે અને એ દિવાળી સુધીમાં 'સોનુ કી ટીટૂ કી સ્વીટી'ના બિઝનેસને પણ પાર કરી જશે. આ ફિલ્મનો લાઇફટાઇમ બિઝનેસ ૧૦૮.૯૫ કરોડ રૂપિયા છે. ગયા શુક્રવારે બોકસ-ઓફિસ પર એક પણ નવી ફિલ્મ રિલીઝ ન થઇ હોવાથી 'બધાઇ હો' ને ખૂબ જ સારો રિસ્પોન્સ મળી રહ્યો છે.

(3:36 pm IST)