ફિલ્મ જગત
News of Friday, 6th July 2018

સલમાન ખાનના ફાર્મ હાઉસ પાસે જમીન ધરાવતા વૃદ્ધ દંપત્તિને સલમાન ખાન દ્વારા હેરાનગતિઃ ૧૯૯૬થી આ જમીનના માલિક હોવા છતાં બંગલો બનાવી શકતા નથી

મુંબઇઃ ફિલ્મ અભિનેતા સલમાન ખાનના ફાર્મ હાઉસ પાસે ૧૯૯૬થી જમીન ધરાવતા દંપત્તિને સલમાન ખાન દ્વારા હેરાનગતિ કરવામાં આવતી હોવાની ફરિયાદ કરવામાં આવી છે.

થોડા સમય પહેલાં જ સલમાન ખાનને કાળિયાર શિકાર કેસમાં દોષી ઠેરવવામાં આવ્યો છે. સાથે જ 5 વર્ષની જેલ પણ સંભળાવાઈ છે. સલમાન અત્યારે તો જામીન પર છે અને ફિલ્મોની શૂટિંગ પૂરી કરી રહ્યો છે. હાલમાં જ મુંબઈમાં રહેતા એક પરિવારે સલમાન પર મોટો આરોપ લગાવ્યો છે.

એક વૃદ્ધ દંપતી કેતન કક્કડ અને અનિતા કક્કડ પનવેલમાં પોતાની જમીન પર બંગલો બનાવવા માગે છે. પરંતુ સલમાન ખાન તરફથી દંપતીને પરેશાન કરવામાં આવી રહ્યું છે. જણાવી દઈએ કે પનવેલમાં સલમાનનું ફાર્મ હાઉસ પણ આવેલું છે.

દંપતીનું કહેવું છે કે, જ્યારે તેઓ અમેરિકામાં હતા ત્યારે પાડોશી તરીકે સલમાનના ફાર્મ હાઉસ પર તેમની અવરજવર હતી. સલમાનનો પરિવાર તેમની સાથે સારો વ્યવહાર કરતો હતો. હવે તેઓ અમેરિકાથી પરત આવ્યા છે અને અહીં બંગલો બનાવવા માગે છે તો સલમાન તરફથી તેમને પરેશાન કરવામાં આવી રહ્યા છે.

વૃદ્ધ દંપતીએ જણાવ્યું કે, સલમાનના ફાર્મ હાઉસ પાસે આવેલી જમીન 1996માં તેમણે 27.50 લાખ રૂપિયામાં ખરીદી હતી. અને આ માટે તેમણે સલમાનના પિતા સલીમ ખાનની મંજૂરી પણ લીધી હતી. હવે આ જમીનની માલિકી હોવા છતાં તેઓ બંગલો નથી બનાવી શકતા.

દંપતીએ આરોપ લગાવ્યો છે કે, સલમાને ફાર્મ હાઉસ પાસે એક ગેટ લગાવ્યો છે. જેના કારણે તેમને પોતાની જ જમીન પર આવવા-જવામાં મુશ્કેલી નડી રહી છે. કક્ડ પરિવારનો આરોપ છે કે, વન વિભાગના એક અધિકારીએ ખાન પરિવાર સામે તેમનો સાથ આપ્યો તો તેની ટ્રાંસફર કરી દેવામાં આવી.

કક્કડ દંપતીએ કહ્યું કે, પનવેલમાં સલમાનના ઘોડાઓ માટે વીજ પુરવઠાની વ્યવસ્થા કરવામાં આવી છે. પરંતુ તેમની જમીન માટે વીજળી જેવી સુવિધા નથી મળી રહી. પીડિત પરિવારનો દાવો છે કે તેમણે ફોરેસ્ટ મિનિસ્ટર સુધીર મુનગંટીવારને આ મામલે મધ્યસ્થી કરવાની વિનંતી કરી હતી. તેમણે આશ્વાસન આપ્યું હતું કે ન્યાય થશે. પરંતુ બાદમાં તે સલમાનના પક્ષે જતા રહ્યા. દંપતી અને તેમના વકીલ આભા સિંહનું કહેવું છે, સલમાનનો પરિવાર વગદાર હોવાથી કેસની સુનાવણી નથી થઈ રહી.

(6:20 pm IST)